અમદાવાદ સિવિલની નવી પહેલઃ હવે સિનિયર સિટિઝનો દવા માટે લાઈનમાં નહીં ઉભા રહે

ગુરુવાર, 27 જૂન 2024 (17:49 IST)
ahmedabad civil hospital
સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. સિનિયર સિટીઝન જો હવે એકલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હશે તો તેમના પરિવારજનોને ચિંતા કરવાની જરૂર નથી.65 વર્ષથી ઉપરના વૃદ્ધ માટે સિવિલ હોસ્પિટલમાં અલગથી પ્રતિક્ષા કક્ષ બનાવવામાં આવ્યો છે. જેથી સિવિલ હોસ્પિટલમાં દરરોજ આવતા લોકોની ભીડ વચ્ચે વૃદ્ધ લોકોને ધક્કા નહીં ખાવા પડે અને જો તેઓ એકલા આવ્યા હોય તો તેમની સાથે પરિવારના એક સભ્ય ફરજિયાતપણે આવવાની જરૂર રહેશે નહીં.
 
પીવાના પાણીના કૂલરની સુવિધા સાથેનો રૂમ તૈયાર 
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન માટે અલગથી પ્રતિક્ષા કક્ષ બનાવવામાં આવ્યો છે ત્યાં તેમના માટે 40થી વધુ ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. સિનિયર સિટીઝન દર્દીઓને કોઈપણ જગ્યાએ લાઈનમાં ઊભા રહેવું પડે નહીં અને સરકારની સિનિયર સિટીઝન દર્દીને પ્રાથમિક્તા આપવાની ગાઇડલાઈનને વધુ અસરકારક રીતે અમલી કરી શકાય અને આવા દર્દીઓને કોઈપણ જાતની તકલીફ વગર પ્રાથમિકતા આપી સારવાર થાય તે ભાવના સાથે આ સુવિધા ઊભી કરવામા આવી છે. આ પ્રતિક્ષા કક્ષમાં વૃદ્ધોને અનેક સુવિધા મળશે જેમ કે, ઓપીડીમાં 40 ખુરશીની બેઠક વ્યવસ્થા સાથે બાથરૂમ તથા પીવાના પાણીના કૂલરની સુવિધા સાથેનો રૂમ તૈયાર કરવામા આવ્યો છે. 
 
આ રૂમમાં જ કેસ કાઢવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી
સિનિયર સિટીઝન દર્દી માટે અલગથી આ રૂમમાં જ કેસ કાઢવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કેસ નીકળ્યા બાદ દરેક સિનિયર સિટીઝન દર્દી સાથે એક વોર્ડ બોયને સાથે મોકલી એમને જે તે ઓપીડીમાં ડોકટર દ્વારા પ્રાથમિકતા આપી તપાસવામાં આવે તેમજ લેબોરેટરી, રેડિયોલોજી વિભાગોમાં પણ તપાસમાં સાથે રહી છેલ્લે સિવિલની દવાબારી ઉપરથી દવાઓ લઈ આપવા સુધી સેવા આપવાની ગોઠવણ કરવામાં આવી છે. આ પ્રતિક્ષા કક્ષ સુધી પહોંચવા માટે સિનિયર સિટીઝનની વધુ પડતું ચાલવાની જરૂર પણ નહીં પડે કારણ કે સિદ્ધાર્થ ઓટોરિક્ષા અથવા અન્ય કોઈ વાહનમાં આવીને પ્રતિક્ષા કક્ષમાં પહોંચી શકશે. આ સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષનો શુભારંભ 72 વર્ષના સામાન્ય મહિલા દર્દી કમલાબહેન ચરણના હસ્તે કરાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર