અમદાવાદમાં ભાજપની રેલીમાં રામમંદિર, 370 કલમ નાબુદી, CAA બિલ અને એક દેશ એક બંધારણના પોસ્ટરો લગાવવામાં આવ્યાં
શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (10:38 IST)
રાજ્યમાં આજે છ મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર પડધમ શાંત થઈ જશે. આવતીકાલે સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે. ચૂંટણી જીતવા માટે હવે રાજકીય પક્ષો છેલ્લી ઘડીએ એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપે ગુજરાતને બાજુમાં રાખીને કેન્દ્રના મુદ્દાઓ પર મત માંગવાનું શરુ કરી દીધું છે. ભાજપે પ્રચારમાં રામ મંદિર અને હિંદુત્વનો મુદ્દો ચગાવ્યો છે. અમદાવાદમાં ભાજપની રેલીમાં રામમંદિર, 370 કલમ નાબુદી, CAA બિલ અને એક દેશ એક બંધારણના પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ પાટીલની પણ પરીક્ષા થઈ રહી છે.
રેલીમાં વાહનો પર પોસ્ટરો લગાવવામાં આવ્યા
અમદાવાદમાં ભાજપની રેલીમાં દેશમાં થયેલા કાર્યોને લઈને પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. રેલીમાં જોડાયેલા વાહનોમાં રાષ્ટ્રીય મુદ્દાઓના પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત તમામ કાર્યકર્તાઓને કેસરી સાફો પહેરાવવામાં આવ્યો છે. ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને કોરાણે રાખીને હવે રાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રચારની આખરી ઘડીએ શરુઆત કરી દીધી છે.
ભાજપને પેનલો તૂટવાનો ભય
ભાજપે શહેરમાં ત્રણ ટર્મ કે તેથી વધુ જીતેલા, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં અને નેતાપુત્રોને ટિકિટ આપવાની ચોખ્ખી ના પાડી હતી અને AMCમાં 142 પૈકી 100 થી વધુ સિનિયરોની ટિકિટ કાપી નાંખી હતી બીજી તરફ 38 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા હતા જેના કારણે અંદરખાને કેટલાંક સિનિયરો નારાજ છે. અમદાવાદ શહેરના નવાવાડજ અને સ્ટેડિયમ વોર્ડમાં ભાજપના સ્થાનિક નેતાઓમાં જુથબંધી ચરમ ઉપર પહોંચી છે અહીં, ભાજપને પેનલો તુટવાનો ડર સતાવી રહ્યાં છે. સ્ટેડિયમ વોર્ડની ભાજપની પેનલમાં એકપણ વણિક કે દલિતને ટિકિટ આપી નથી તેવો કાર્યકરોનો આરોપ છે.કોંગ્રેસને મક્તમપુરા, જમાલપુર, બહેરામપુરા જેવા વોર્ડમાં પેનલો તુટવાનો ડર સતાવી રહ્યો છે. અહીં ઓવેસીની પાર્ટી પેનલ તોડે તેવા અણસાર છે.
ઓવૈસીની કોંગ્રેસ સાથેની ટક્કર ભાજપમાં ફાયદાકારક
આ વખતની ચૂંટણીમાં ભાજપનું કાર્યાલય જમાલપુર વોર્ડમાં આવે છે, જ્યાંથી કોંગ્રેસ, ભાજપ સિવાય ઓવૈસીની પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. જોકે આ વખતે ઓવૈસીની પાર્ટી કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે, જેનો સીધો ફાયદો ભાજપને થશે. તો જો આ શક્ય બને તો ભાજપની ઘણા સમયથી પોતાના કાર્યાલયના વોર્ડ પરથી જીત મેળવવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. બીજી તરફ, કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે જે જગ્યા પર કોંગ્રેસનું કાર્યાલય છે એ જગ્યાને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે, પરંતુ આ વખતે કોંગ્રેસે પણ પોતાના પ્રચારમાં કોઈ કમી રાખી નથી અને પાર્ટી પણ 3 દાયકાની હારને આ વખતે જીતમાં ફેરવવા માટે એડીચોડીનું જોર લગાવી રહી છે.
ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ભાજપ માટે સૌથી વધુ પડકારજનક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ આંતરિક સર્વે કરાવ્યો હતો, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપને ઘણી મુશ્કેલી પડી શકે એવી શક્યતાઓ સર્વેમાં બહાર આવી છે. 31 જિલ્લા પંચાયતમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ભાજપ માટે સૌથી વધુ પડકારજનક છે, કેમ કે આ વિસ્તારમાં સૌથી વધુ ખેડૂત મતદારો છે.
ભાજપની રેલીમાં કાર્યકર્તાઓ હાથી ઘોડા પર સવાર થયા
અમદાવાદમાં આજે પ્રચારના છેલ્લા દિવસે નીકળેલી ભાજપની રેલીમાં કાર્યકર્તાઓ હાથી અને ઘોડા પર બેસીને પ્રચાર કરવા નીકળ્યાં હતાં. તે ઉપરાંત શહેરમાં ખેડૂતના વેશમાં કાર્યકર્તાઓને ઘોડા પર બેસાડીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
ભાજપના મહિલા અને પુરુષ કાર્યકરોએ સાફા પહેર્યા
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાલ છેલ્લી ઘડીના પ્રચાર માટે અમદાવાદમાં લોકસંપર્ક કરી રહ્યાં છે. ત્યારે શહેરના અસારવા સહિતના વિસ્તારોમાં પાટીલના સ્વાગત માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યાં છે. ભાજપના મહિલા અને પુરુષ કાર્યકરોએ પાર્ટીના અધ્યક્ષના સ્વાગતની મોટી તૈયારી કરી છે. લોકોને આકર્ષવા માટે મહિલાઓને કેસરી સાફો પહેરાવવામાં આવ્યો છે. એટલે કે પાટીલના સ્વાગત માટે કાર્યકર્તાઓને કેસરી સાફો પહેરાવવામાં આવ્યો છે.