અમદાવાદ-બગોદરા હાઇવે અકસ્માત - એક જ પરિવારના 6 લોકોનાં મોતથી આખું ગામ હીબકે ચઢ્યું

શનિવાર, 12 ઑગસ્ટ 2023 (11:04 IST)
Ahmedabad-Bagodara highway accident - અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલો અકસ્માત હજુ લોકો ભૂલ્યા નથી, ત્યાં જ અમદાવાદ-બગોદરા હાઇવે પર મીઠાપુર પાસે એક મોટો અકસ્માત સર્જાયો છે  આ અકસ્માત રસ્તા પર ઊભી રહેલી એક બંધ ટ્રક સાથે મારુતિ કેરી (છોટા હાથી) અથડાવાને કારણે થયો છે. આ વાહનમાં સવાર તમામ લોકો સુરેન્દ્રનગરના ચોટીલાથી આવી રહ્યા હતા. જેમાંથી 10 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં છે. જ્યારે બીજા ગંભીર રીતે ઘાયલ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  
 
બગોદરા-બાવળા હાઈવે પર થયેલા રકતરંજિત અકસ્માતમાં જીવ ગુમાવનારા ઝાલા પરિવારના લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની છે. તમામે તમામ મૃતકોના મૃતદેહોને પોલીસની જરૂરી કાર્યવાહી બાદ પરિવારજનોને સોંપાતાં પરિવારજનો અને ગ્રામજનો મૃતકોના મૃતદેહોને વાહનો મારફત ગામમાં લાવવામા આવતાં ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી.
 
મૃતક પરિવારના ઘર બહાર એક બાદ એક મૃતદેહને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 6 વ્યક્તિઓ સુણદા ગામના, બીજા 3 મહીસાગર જિલ્લાના, બાલાસિનોર તાલુકાના તો અન્ય એક કઠલાલ તાલુકાના, પરંતુ તમામે તમામ કૌટુંબિક સગા થાય છે. ગામના પ્રવેશ કરવાના રસ્તા પર આવેલા પીએચસી સેન્ટર પાસેના રામદેવપીર મંદિર પાસે રહેતા આ ઝાલા પરિવારના કુટુંબમાં જાણે કાળ બની ભરખી ગયો હોય એમ 10 લોકોનાં મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. આટલું જ નહીં, પરંતુ આખું ગામ હીબકે ચઢ્યું હતું.
 
કેવી રીતે સર્જાયો અકસ્માત?
કપડવંજ અને બાલાસિનોરના લોકો છોટાહાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે હાઇવે પર એક ટ્રકમાં પંચર પડી જવાને કારણે તે રસ્તા પર બંધ પડ્યો હતો , ત્યારે એની પાછળ લોડિંગ ટેમ્પો ઘૂસી જતાં ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો. આ અકસ્માતમાં ઝાલા પરિવાર, સોલંકી પરિવાર અને પરમાર પરિવારના સભ્યોનાં મોત થયાં હતાં. કપડવંજનું સુણદા, બાલાસિનોરના ભાંથલા અને કઠલાલના મહાદેવપુરા ગામના સભ્યોનાં મોત થતાં ત્રણેય ગામમાં શોકનો માહોલ છે. નાનાએવા સુણદા ગામના એક જ પરિવારના 6 લોકોનાં મોત થયાં હતાં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર