અમદાવાદ: નારોલમાં બાઇકની ટક્કરે બે જોડિયા ભાઇઓના મોત

ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (11:00 IST)
નારોલ-લાંભા રોડ પર ગત મોડી રાત્રે અજાણ્યા બાઇકસવારે બે જોડિયા ભાઇઓને ટક્કર મારતા બન્ને ભાઇઓને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે, ઘટનાના અડધો કલાક બાદ પણ પોલીસ કે 108 સમયસર ન પહોંચતા બાળકોને રિક્ષામાં એલ.જી. હોસ્પિટલે પહોંચડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે નારોલ પોલીસે બાઇકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલ ગામ નજીકની ધરતી સોસાયટીમાં ઘનશ્યામભાઇ ઇનામી રહે છે. તેમના 10 વર્ષનાં જોડિયા બાળકો લવ અને કુશ તેમની માતા સાથે લાંભા ગામના વળાંક પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવી રહેલા બાઇકચાલકે સંતુલન ગુમાવતા લવ-કુશને અડફેટે લેતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે તેમની માતાને નજીવી ઈજા થઈ હતી. અકસ્માત બાદ બાઈકસવાર ઘટના સથળથી ફરાર થઇ ગયો હતો. આ ઘટના નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં બાઇકસવારને પણ ઈજા થઈ હતી. જોકે તે બાઇક ઊભું કરી તુરંત જ નાસી ગયો હતો.
 
આ ઘટનાને લઇ કેટલાક લોકોએ બાઇક સવારનો પીછો કર્યો હતો, પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યો હતો. બીજી બાજુ ઈજા પામેલા લવ અને કુશને એમ્બ્યુલન્સ સમયસર ન આવતા બાળકોને તાત્કાલિક રિક્ષામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાં તબીતે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોના પિતા ઘનશ્યામભાઇ ઇનામી રજસ્થાનના વતની છે અને અહીં તેઓ છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ધોરણ-5માં અભ્યાસ કરતા બંને ભાઈઓ માતાની સાથે રમતાં રમતાં જઈ રહ્યાં હતાં. એવામાં અચાનક આ અકસ્માતથી માતા સહિત પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર