અમદાવાદમાં વિકાસને નામે પાંચ વર્ષમાં 18,630 વૃક્ષો જમીનદોસ્ત

ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (10:10 IST)
અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષની અંદર વિકાસને નામે 18,630 વૃક્ષોને કાપી દેવાયા છે. ક્યાંક મેટ્રોરેલને નામે તો કયાંક બુલેટ ટ્રેન અને વળી બિલ્ડર્સને પણ આડેધડ મંજૂરી આપી દેવામાં આવી છે. અમદાવાદમાં ગ્રીનકવરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે એમ છતાં નવા ઉગાડેલા વૃક્ષોનું પણ જતન કરવામાં આવતુ નથી. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વ્રારા યુનિવર્સિટી મેદાનમાં પર્યાવરણ દિવસને દિવસે સૌથી વધુ વૃક્ષો વાવવાનો રેકોર્ડ બન્યો હતો પરંતુ એ વૃક્ષમાંથી કેટલા વૃક્ષો ખરેખર ઉગ્યા અને કેટલાનું જતન થયુ એ વીશે કોઈ માહિતી નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 4,200 વૃક્ષ કપાયા હતા જ્યારે મેટ્રોરેલ પ્રોજેક્ટ માટે 1,721, બિલ્ડરોને મંજૂરીથી 5,000, મંજૂરી વગર 5,000, ઈન્કમટેક્ષ-અંજલી બ્રિજ 209, ચોમાસામાં ઉખડી ગયેલ 2,500 વૃક્ષનું કાસળ કાઢી નાંખવામાં આવ્યુ છે કુલ 18,630 વૃક્ષોનો યેનકેન પ્રકારેણ નાશ કરવામાં આવ્યો છે. પરવાનગી વિના ઝાડ કાપવું એ ગુનો બને છે. વૃક્ષો કાપવા વન વિભાગ કે બાગ બગીચા વિભાગની મંજુરી લેવી ફરજીયાત છે. અને પ્રત્યેક ઝાડ દીઠ એક હજારના દંડની છે જોગવાઈ પણ છે. પરંતુ ઘણી જગ્યાએ તંત્ર અને શહેરીજનો બંને આંખ આડા કાન કરતા જોવા મળે છે.2012ની વૃક્ષ ગણતરી પ્રમાણે, શહેરમાં માત્ર 4.66 ટકા હરિયાળો વિસ્તાર હતો. જેની સામે હાલ આ અકિલા ગ્રીન કવર પાંચ ટકાની આસપાસનું હોવાનું મનાઇ રહ્યું છે પરંતુ વૃક્ષારોપણના કાર્યક્રમો અને રોપાવાવણી ઝુંબેશ પાછળ લાખો રૂપિયા   ખર્ચાયા બાદ પણ પરિણામ કંઇ નહી હોવાની વાસ્તવિકતા સામે છે. ગંભીર, ચિંતાજનક   અને આઘાતજનક વાત એ છે કે, અમદાવાદનું ગ્રીન કવર રાજયના  વડોદરા, રાજકોટ અને ભાવનગર શહેર કરતાં પણ ઓછું છે. અમદાવાદમાં છેલ્લે વનવિભાગ દ્વારા 2012માં કરાયેલી વૃક્ષ ગણતરી મુજબ કુલ 6,18,048 વૃક્ષ નોંધાયા હતા. જેમાં લીમડાના 1,42,768, આસોપાલવના 70,550, પીપળાના 20,177, વડના 9,870  વૃક્ષો હતા, 2012ના વૃક્ષોના આંક જોઇએ તો, શહેરના પશ્ચિમ ઝોનમાં 84,035, ઉત્તર ઝોનમાં 60,677, દક્ષિણ  ઝોનમાં 89,863, નવા પશ્ચિમ ઝોનમાં 84,189 વૃક્ષો હતા. વન વિભાગની જમીનમાં 1,74,979 અને 240 મનપાના બાગબગીચામાં 25,290 ઝાડ નોંધાયા હતા.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર