માનહાનિના કેસમાં આજે રાહુલ ગાંધી હાજર થશે સુરતની કોર્ટમાં

ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (10:55 IST)
મોદી સમાજ પર ટિપ્પણી કરવાને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર માનહાનિ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઇને રાહુલ ગાંધી આજે ગુજરાત આવી રહ્યાં છે. માનહાનિ કેસને લઇને તેઓ સુરત ડિસ્ટ્રિકટ કોર્ટમાં હાજર થશે. જ્યારે 11મીએ અમદાવાદમાં આવશે. અમદાવાદ ખાતે પણ તેઓ માનહાનિના કેસમાં હાજર રહેશે.
 
લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ પર ટિપ્પણી કરી હતી. જે અંગે સુરતના ધારાસભ્ય પૂણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. જે મામલે આજે સુરત કોર્ટમાં તારીખ હોવાથી રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપશે. માનહાનિ કેસને લઇ આજે રાહુલ ગાંધી સુરતમાં આવી રહ્યા છે. ત્યારે એરપોર્ટ સહિત જુદા જુદા 5 સ્થળોએ ગુજરાત કોંગ્રેસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. રાહુલ ગાંધી સવારે 9.55 કલાકે સુરત એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ સુરત કોર્ટ જવા રવાના થશે.
 
કોર્ટથી પરત 11:25 કલાકે તેઓ એરપોર્ટથી રવાના થશે. ત્યારે તેમના આગમનને પગલે ગુજરાત પોલીસે એરપોર્ટથી કોર્ટ સુધી જવાના રસ્તા પર રિહર્સલ કરવામાં આવ્યું છે. ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડે પણ કોર્ટની તપાસ કરી. આજે રાહુલ ગાંધીની સુરક્ષામાં 250 જેટલા પોલીસકર્મીઓ હાજર રહેશે. તો બીજી તરફ રાહુલ ગાંધી સામે અમદાવાદમાં નોટબંધી વખતે કરાયેલા આક્ષેપ બદલ માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે. જેથી આવતીકાલે અમદાવાદ ખાતે પણ તેઓ માનહાનિના કેસમાં હાજર રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર