લોકડાઉન બાદ આર્થિકભીંસમાં આવી જતાં પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ

શનિવાર, 27 માર્ચ 2021 (12:19 IST)
રાજકોટ શહેરના મવડી ચોક નજીક બાપા સિતારામ ચોક પાસે પ્રણામી પાર્કમાં રહેતા હેતલબેન મનોજભાઇ ચૌહાણ નામના પરિણીતાએ ગઇકાલે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં લોકડાઉન બાદ આર્થિક ભીસમાં આવી જતા પરિણીતાએ આત્મઘાતી પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. પરિણીતાના આપઘાતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
 
રાજકોટ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ચૌહાણ સહિતના સ્ટાફે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કોરોના મહામારીમાં લોકડાઉન થયા બાદ ધંધો બરાબર ન ચાલતા ઝેરોક્ષની દુકાન કેટલાક સમય પહેલા બંધ કરી દીધી હતી. આ તરફ આર્થિક ભીંસમાં આવી ગયેલા પરિવારને ભાડાનું મકાન પણ ખાલી કરવાનું હોવાથી હેતલબેનને બીજુ મકાન કયારે મળશે? તેવી ચિંતા સતાવતી હતી.
 
હેતલબેને 10 વર્ષ પહેલાં મનોજભાઈ સાથે લવમેરેજ કર્યા હતા. ત્યારબાદ તેને સંતાનમાં એક પુત્ર એક પુત્રીની પ્રાપ્તિ થઇ હતી. બાળકો લોધીકા દાદાના ઘરે ગયા હતાં અને પ્રાઈવેટ નોકરી કરતાં પતિ કામે ગયા હોવાથી ઘરે એકલા હેતલબેને તેને જમવા માટે ફોન કરી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ તરફ તેના પતિએ તેને ફોન કરતા રિસિવ નહી થતા ઘરે જઈને દરવાજો ખખડાવ્યો હતો પરંતુ નહી ખોલતા પાડોશીના ઘરની અગાસી પરથી પોતાના ઘરે જઇ દરવાજો તોડીને અંદર જોતા હેતલબેન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા આઘાતથી સ્તબ્ધ બની ગયા હતાં. 108ને જાણ કરતા તબીબે તેને મૃત જાહેર કર્યા હતાં આ અંગે રાજકોટ તાલુકા પોલીસે ઘટનાસ્થળે જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર