હિમાલયમાં સાહસ: વડોદરા ની નિશાકુમારીનું હીમાલય ભ્રમણ, પહેલા ૬૫૦૦ મીટર ઊંચું શીખર સર કર્યું.

શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (15:24 IST)
વડોદરાની સાહસ થી સિદ્ધિ નો સંકલ્પ ધરાવતી યુવતી નીશા કુમારી હાલમાં એવરેસ્ટ આરોહણ નો મહા સંકલ્પ રાખીને હિમાલયના બર્ફીલા અને અઘરાં પહાડોમાં સાહસ યાત્રા કરી રહી છે. હાલમાં તેણે એક બેવડું સાહસ કર્યું જેના હેઠળ નીશાએ પહેલા તો ૬૫૦૦ મીટર ઊંચા અને બરફ થી છવાયેલા માઉન્ટ નુન ના શિખર સુધી આરોહણ કર્યું અને તે પછી આરામ કર્યા કે થાકયા વગર હિમાલયના વિવિધ ઘાટોમાં ૬૦૦ કિમી ની સાયકલ યાત્રા કરી.
 
પર્વત નું આરોહણ અને તે પછી તુરત જ વિકટ પહાડી ઘાટો માં સાયકલિંગ નું બેક ટુ બેક અભિયાન કસોટી કરનારું હોય છે એવી લાગણી વ્યક્ત કરતાં તેના માર્ગદર્શક નિલેશ બારોટે જણાવ્યું કે હિમાલય ના સર્વોચ્ચ શિખર ને સર કરવા પહેલા તો શરીરને ખૂબ કસવું પડે અને પળે પળ બદલાતા વાતાવરણ ની ઝીંક ઝીલવાની શરીર ને ટેવ પાડવી પડે જેના ભાગ રૂપે આ સાહસ યાત્રા તેણે કરી છે.
 
આ અભિયાન હેઠળ નીશાએ મનાલી થી શરૂ કરીને લેહ ના માર્ગે વિવિધ ૬ ઘાટો( પાસ) જે પાસ ના નામે ઓળખાય છે અને વિવિધ ઉંચાઈઓ પર આવેલા છે ત્યાં ૯ દિવસમાં ૬૦૦ કિમી ની સાયકલ યાત્રા કરી છે. આ એવી જગ્યાઓ છે જ્યાં વ્યાપક અને અટપટું ચઢાણ ઉતરાણ કરવું પડે છે.બર્ફીલા તેજ પવનો અને વાતાવરણની વિષમતા શરીર અને મનોબળની કપરી પરીક્ષા લે છે. એનું લક્ષ્ય છેક ચીનની ભાગોળે આવેલા ઉમલિંગ્લા પાસ સુધી જવાનું હતું જો કે સરહદી સુરક્ષાની મર્યાદાના લીધે તે શક્ય ના બન્યું.
 
અગાઉ પણ તેણે આ વિસ્તારના ઘાટો માં વિકટ સાયકલ યાત્રા કરી છે.નિશા કહે છે કે આ મારી એવરેસ્ટ ચઢવાની પૂર્વ તૈયારી છે.ખૂબ ખડતલ શરીર અને મન તેના માટે જરૂરી છે.આ પ્રકારના અભિયાન થી હું એ કેળવી રહી છું. તેની સાથે આ અભિયાન માટે વિપુલ આર્થિક ભંડોળ જરૂરી છે.નિશા આ રીતે પોતાને પુરવાર કરી ને સંસ્થાઓ અને દાતાઓ તેને પીઠબળ આપે તેવો પ્રયત્ન કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર