સુરતમાં AAP કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગતા 17 વર્ષના પુત્રનું મોત

શુક્રવાર, 8 માર્ચ 2024 (12:11 IST)
fire in aam aadmi home
- આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં આગ
- પરિવારના છ સભ્યો બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો
- 17 વર્ષીય પુત્ર ફસાઈ જતા તેનું મૃત્યુ થયું

શહેરના મોટા વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં આગ ફાટી નીકળતા તેમના 17 વર્ષના પુત્રનું મૃત્યુ થયું છે. ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના છ સભ્યો બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો હતો. જોકે 17 વર્ષીય પુત્ર ફસાઈ જતા તેનું મૃત્યુ થયું છે. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.
 
આખો પરિવાર બીજા માળે સૂતો હતો અને આગ લાગી
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુભાઈ કાછડિયા ગ્રાઉન્ડ પ્લસ બે માળનો બંગલો ધરાવે છે. પરિવારમાં બે દીકરાઓ છે. મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધો કરે છે. જ્યારે નાનો દીકરો 17 વર્ષીય પ્રિન્સ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. પ્રિન્સ હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.આખો પરિવાર બીજા માળે સૂતો હતો. આ દરમિયાન રાત્રે બે વાગ્યા આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. એક બેડરૂમમાં પ્રિન્સ અને તેનો ભાઈ સૂતા હતા. તમામે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો.
 
ફાયરનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો
પરિવારના છ સભ્યો બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને જીવ બચાવ્યો હતો. દરમિયાન પ્રિન્સ ધૂમાડાના કારણે ફસાઈ ગયો હતો. આગમાં દાઝી જવાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયરનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.ફાયર વિભાગે ભારે મહેનત બાદ આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લીધો હતો. બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. પરિવારના નાના દીકરાનું મોત થતા પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર