ગાયકવાડ હવેલી વિસ્તારમાં આવેલા ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં મહિલા તબીબની રહસ્યમય રીતે લાશ મળતા પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. આ મહિલા તબીબ ઈકોનોમિક ઓફેન્સ વિગ (EOW)માં અનેક વખત પોતાની ફરિયાદ નોંધાવવા માટે અધિકારીઓને મળવા જતાં હતાં, પરંતુ અધિકારીઓ કોઇ જવાબ આપતા ન હતા. આથી કંટાળીને મહિલાએ ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં વસંત રજત બંધુત્વ સ્મારક પાસે બેસીને પગમાં ઇન્જેક્શન મારીને આપઘાત કર્યો હોવાની શંકા સેવાઇ રહી છે.પોલીસે મહિલાની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે VS હોસ્પિટલ મોકલી આપી હતી. આ અંગે ગાયકવાડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મૃતક અંગે અધિકારીઓએ તપાસ કરતા, મૂળ બાલાસિનોરના વિરપુરની અને હાલમાં નહેરુનગર પાસે પીજીમાં રહેતી ડૉ. વૈશાલીબેન જોષી હોવાનું સામે આવ્યું છે. પોલીસબેડામાં ચાલતી ચર્ચા મુજબ, મૃતક વૈશાલીબેન પોતાની ફરિયાદ નોંધાવવા માટે EOW બ્રાન્ચમાં અનેક વખત ધક્કા ખાઇને થાક્યા હતા. પરંતુ EOWના એક પીઆઇએ મહિલાની રજૂઆત સાંભળ્યા વગર જ ધમકી આપી રહ્યા હોય તે રીતે બૂમાબૂમ કરીને ઓફિસમાંથી તગેડી મૂક્યા હતા.