બાળકોને જંગલનો અહેસાસ કરાવતો અનોખો પાર્ક, જાપાનની મિયાવાકી પધ્ધતિથી તૈયાર ‘’ઉગતી ઓક્સિજન પાર્ક’’

શનિવાર, 12 જૂન 2021 (10:15 IST)
બાગ-બગીચો અને જંગલ સૌ કોઈનાનાં-મોટા બધાને ગમે અને આકર્ષે. જંગલ એટલે જ ગીચોગીચ વૃક્ષો હોય એવી કલ્પના..અમદાવાદ હવે કોંક્રીંટનું જંગલ બનતું જાય છે ત્યારે અહી ગીચોગીચ વૃક્ષો હોય તેવી કલ્પના કરવી એ જ વિચાર માંગતો એક પ્રશ્ન છે. પરંતુ આ પ્રશ્નનો જવાબ તૈયાર કરવામાં આવ્યો છે,  તેનું નામ છે ‘’ઉગતી ઓક્સિજન પાર્ક’’
 
કોરોના કાળમાં સમગ્ર વિશ્વના લોકો અને તમામ શહેરીજનો મોટાભાગે ઘરમાં જ રહ્યા હતા ત્યારે હવે બાગ બગીચામાં ફરવાનો અને વધુમા વધુ ઓક્સિજન મેળવવાનો એક સ્ત્રોત અમદાવાદના આંગણે ઉભો કરવામાં આવ્યો છે. મોટેરાઓને તો ગમશે જ પણ બાળકોને જંગલનો અહેસાસ ઘર આંગણે જ મળી રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક નવું નજરાણું એટલે સાયન્સ સીટી રોડ પર ઉગતી તળાવ પાસે ‘’ઓક્સિજન પાર્ક’’ . જેને અતિ ગીચ વૃક્ષોના જંગલ ધરાવતો ગાર્ડન તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. ઉગતી તળાવના કિનારે પાર્ક  હોવાથી તેને ઉગતી ઓક્સિજન પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પાર્કને જાપાની પધ્ધતિ ડો.અરિકા મિયાવાંકીની પધ્ધ્તિ પ્રમાણે બનાવવામાં આવ્યો છે. 
 
તો પહેલા જાણીએ કે આ મિયાવાકી કોણ છે?
 
૧૯૨૮ માં જાપાનમા જન્મેલા અકિરા મિયાંવાંકી વનસ્પતિશાસ્ત્રી અને વનસ્પતિ ઇકોલોજીમાં નિષ્ણાત છે. કુદરતી વનસ્પતિ અને સંપદાનું રક્ષણ કરવા માટે તેઓ સમગ્ર વિશ્વમા જંગલો બચાવવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છે. જાપાનાની યોકોહામા નેશનલ યુનિવર્સિટીમાં તેઓ ઇકોલોજીના પ્રોફેસર છે અને જાપાની સેન્ટર ફોર ઇન્ટરનેશનલ સ્ટડીઝના ડિરેક્ટર છે. વર્ષ ૨૦૦૬માં પર્યાવરણ માટેનો નોબેલ પુરસ્કાર ‘’બ્લુ પ્લેનેટ પ્રાઇઝ’’ તેમણે મેળવ્યો છે.
૧૯૭૦ ના દાયકાથી તેમણે સમગ્ર વિશ્વમાં કુદરતી વનસ્પતિ અને જંગલોના મૂલ્યને બચાવવાની હિમાયત કરી હતી, અને તે માટે તેમણે વધુ વૃક્ષો વાવવા અને ગીચોગીચ વૃક્ષો વાવવાનુ સૂચન કર્યુ હતું, તેમણે ઇકોલોજીકલ એન્જિનિયરિંગની એક પદ્ધતિ વિકસાવી, મૂળ જંગલોના બીજમાંથી મૂળ જંગલોને પુનર્સ્થાપિત કરવા માટે વનસ્પતિનું પરીક્ષણ કરીને તેને ખૂબ જ અધોગતિવાળી જમીન પર વાવવાનું નક્કી કર્યું તેને "મિયાવાકી પદ્ધતિ" તરીકે ઓળખવામાં આવે છે. ગીચ વાવેતર કરવાથી જંગલનું ધોવાણ અને નાશ થતો અટકે છે. તે તેમણે સાબિત કરી બતાવ્યું ત્યારથી સમગ્ર વિશ્વમાં મિયાવાંકી પદ્ધતિ મુજબ વૃક્ષો ઉગાડવાની શરૂઆત કરવામાં આવી. અને એના સફળ પરિણામો જોવા પણ મળ્યા છે. 
 
કોરોનાના આ કપરા કાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોની સુખાકારી માટે ઓક્સિજનરૂપી અતિ ગીચ જંગલ ધરાવતો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનનાં ગોતા વોર્ડમાં સાયન્સ સીટી  વિસ્તાર ખાતે આવેલા ઉગતી તળાવ નજીક વર્ષ ૨૦૧૯ માં મિશન મિલિયન ટ્રી ઝુંબેશ અંતર્ગત આ ‘’ઓક્સિજન પાર્ક’’ તૈયાર કરવામાં આવ્યો છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટ્નરશીપ અંતર્ગત શહેરી નીતિ ટ્રસ્ટ અને સંસ્થાના સહયોગથી ઉગતી ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવેલ છે. જેનું ઓનલાઈન વર્ચ્યુઅલ લોકાર્પણ કેંદ્રરીય ગૃહમંત્રીશ્રીના હસ્તે  ૨૮ મે ૨૦૨૧ ના રોજ કરીને આ બગીચો શહેરીજેનોને પ્રજાર્પણ કરેલ છે.
 
૧૧ હજાર ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ ઓક્સિજન પાર્કમાં ૫૫૦૦ ચો.મી જગ્યામાં મિયાવાકી પદ્ધતિથી ગીચ જંગલ તૈયાર કરાયું છે, તેમાં ૪૫ થી વધુ પ્રજાતિના છોડ અને ૨૫ હજારથી વધુ વૃક્ષો ખુબ જ ટૂંકા ગાળામાં ઉગાડવામાં આવ્યા છે. અહી આપણને પુત્રનજીવા, રેઇન ટ્રી, સિંગપોર ચેરી, કપોક, કાશીદ, પારસ પીપળો, કદંબ, પિંક કેશિયા,પ્લેટફોર્મ જેવા અનેક દેશી અને વિદેશી એમ બંને પ્રકારનાં છોડ અને વૃક્ષો બગીચાની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. 
 
ત્યારે એમ કહેવાય કે અમદાવાદમાં કોન્ક્રીટના જંગલો વચ્ચે અતિ ગીચ કુદરતી જંગલ બનાવવામાં આવ્યું છે. તે શહેરીજનો માટે આક્રર્ષણનું મુખ્ય કેંદ્ર બિંદુ બની રહેશે તેમા બેમત નથી.  
 
અમદાવાદના શહેરીજનો માટે આશ્ચર્ય પમાડે એવું આ ગીચ જંગલ પ્રથમ વાર તૈયાર કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્ક શહેરીજનોને પક્ષીઓના કલરવ સાથે સંપૂર્ણ કુદરતી વાતાવરણનો અનુભવ કરાવશે. અહી આવતા લોકોને એવું જ લાગશે કે તેઓ  શહેરથી દૂર કોઇ જંગલમાં આવી ગયાનો અનુભવ પણ કરી શક્શે. 
 
ઓક્સિજન પાર્કના પ્રવેશ દ્વારા નજીક બાળકો માટેનો પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. વિશ્રામ કરી શકાય તે માટેની સુંદર બેઠક વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. જંગલની વચ્ચેથી વોક એરિયા બનાવવામાં આવેલ છે જ્યાંથી પસાર થતાં કુદરતી જંગલની અંદરથી પસાર થતાં હોઈએ તેવો અહેસાસ જરૂર થાય છે. 
 
કુદરતી વાતાવરણની વચ્ચે યોગ અને કસરતો કરી શકાય તેવી પણ ઉત્તમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બગીચાની સ્વચ્છતા જળવાઇ રહે તેના માટે આધુનિક ઢબની કચરાટોપલી રાખવામાં આવી છે. સાથે વોકિંગ કરવા અને ફરવા આવનાર નાગરિકો માટે શૌચાલયની પણ સુવિધાઓ છે. તથા પાર્કમા આવતા લોકો અને બગીચાની સુરક્ષા માટે ગાર્ડ રાખવામાં આવ્યા છે. 
 
અમદાવાદ શહેરના નાગરિકો દૂર દૂર જંગલનો અહેસાસ માણવા જતા હોય છે તેમણે એકવાર આ ઓક્સિજન પાર્કની મુલાકાત જરૂર લેવી જોઇએ.  અહી વનમાં જીવન હોવાનો હૃદયથી અહેસાસ થાય તેવું મનોહર નયનરમ્ય વાતાવરણ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર