અમદાવાદમાં પ્રેમનો કરૂણ અંજામ, યુવતીના પરિવારજનોની ધમકી અને ત્રાસના પગલે યુવકે કેનાલમાં ઝંપલાવ્યું

શુક્રવાર, 7 એપ્રિલ 2023 (15:33 IST)
પાડોશમાં રહેતી યુવતી સાથે યુવકનો પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો
પરિવારજનોએ યુવતીના પરિવારજનો સાથે લગ્નની વાત કરી પણ તેમણે ઈનકાર કરી દીધો હતો
 
 અમદાવાદમાં પ્રેમ સંબંધમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પર રહેતા યુવાનને પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ યુવતીના પરિવારજનોએ તેની સગાઈ બીજે કરી દીધી હતી. તેઓ યુવકને ધાક ધમકી આપી માનસિક રીતે હેરાન કરતાં હતાં. જેથી યુવક ગભરાઈ ગયો હતો. જેથી તેણે કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. યુવકના ભાઈએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
યુવતીના પરિવારજનો યુવકને ધમકીઓ આપતાં હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં વાડજના રામપીર ટેકરા વિસ્તારમાં રહેતાં યુવકને તેની પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા પાંચ વર્ષથી ચાલતાં પ્રેમની જાણ યુવકના પરિવારને છેલ્લા બે વર્ષથી હતી. બંને જણા ફોન પર વાતો કરતા હતાં. યુવકના પરિવારે સમાજના આગેવાનોને મોકલીને યુવતીના પરિવારને લગ્ન અંગે વાત કરી હતી. પરંતુ યુવતીના પરિવારે લગ્ન કરાવવાનો ઈનકાર કરી દીધો હતો અને યુવતીની સગાઈ બીજે નક્કી કરી હતી. ત્યારે યુવકના પરિવારે યુવકને સમજાવીને કોઈ અજૂગતુ પગલું નહીં ભરવા સલાહ આપી હતી. યુવતીના પરિવારજનો યુવકને મારી નાંખવાની ધમકી આપતાં હતાં.તેને હાલતાં ચાલતાં માનસિક રીતે હેરાન કરતાં હતાં. 
 
યુવકની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી 
યુવતીના પરિવારજનોની ધમકીને કારણે યુવક ગભરાઈ ગયો હતો અને ગુમસુમ રહેતો હતો. એક વખત તે ઘરની બહાર ગયો ત્યારે તેને ફોન કરતાં તેણે જણાવ્યું હતું કે, તે ઘરે નથી આવવાનો તે મરવા જઈ રહ્યો છે. ફોન પર આવું કહેતાં જ તેનો મોટો ભાઈ તેને શોધવા નીકળ્યો હતો. અંબાપુર કેનાલ પાસેથી યુવકની રિક્ષા મળી હતી. પરંતુ રાત્રે અંધારુ હોવાથી કેનાલમાંથી તેને શોધવા ફાયર બ્રિગેડના માણસો આવ્યા નહોતા પણ બીજા દિવસે સવારે ફાયર બ્રિગેડના માણસો આવ્યા હતાં અને તેમની સાથે સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. 
 
યુવકે આપઘાત પહેલાં મોબાઈલમાં વીડિયો બનાવ્યો
યુવકના ભાઈને રિક્ષામાંથી તેનો ફોન અને ડેકીમાંથી 200 રૂપિયા મળી આવ્યા હતાં. યુવકનું પોસ્ટમોર્ટમ અને અંતિમવિધી પૂર્ણ કર્યા બાદ તેના ભાઈએ મોબાઈલ ચાલુ કરીને જોયું તો તેમા યુવકે વીડિયો બનાવ્યો હતો અને તેમાં યુવતીના પરિવારજનોના ત્રાસથી તેણે આપઘાત કર્યો છે એવું આ વીડિયોમાં તેણે કહ્યું હતું. જેથી યુવકના ભાઈએ વાડજ પોલીસ સ્ટેશનમાં ભાઈના આપઘાતને લઈને ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર