જેતપુરમાં બે આખલાઓના યુદ્ધમાં સ્કૂલ રિક્ષા પલટી ખાઈ ગઈ, એક વિદ્યાર્થીને ઈજા પહોંચી

ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (17:13 IST)
ગુજરાતમાં રખડતાં ઢોરનો મુદ્દો હવે વધુ ચર્ચાએ ચઢ્યો છે. તાજેતરમાં જ રાજકોટમાં બે મહિલા પોલીસ કર્મીઓને ગાયે ઈજા પહોંચાડી હતી. ત્યારે હવે જેતપુરમાં બે આખલાઓના યુદ્ધમાં એક આખલાની ટક્કર વાગતાં જ સ્કૂલ રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી છે. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ના હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જેતપુરના ટાકુડીપરામાં બે આખલાઓએ શિંગડા ભરાવ્યા હતાં. તેમની લડાઈ દરમિયાન ત્યાં પસાર થતી એક સ્કૂલ રિક્ષાને એક આખલાએ અડફેટે લીધી હતી. વિદ્યાર્થીઓ ભરેલી રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.રિક્ષા પલટી ખાતાં જ ત્યાં આસપાસ રહેલા લોકોમાં ફફટાડ ફેલાયો હતો. લોકોએ ચીસાચીસ શરૂ કરી હતી. તાજેતરમાં જ રાજકોટમાં બે મહિલા પોલીસ કર્મીઓ ડ્યુટી પરથી ઘરે જતી હતી તે દરમિયાન એક ગાયે તેમના એક્ટિવાને અડફેટે લેતાં બંને મહિલાઓને ઈજા પહોંચી હતી. જેમાં એક મહિલાના દાંત પણ તૂટી ગયાં હતાં. બંને મહિલા પોલીસ કર્મીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. તે ઉપરાંત રાજકોટમાં એક મિલિટરીના સૈનિકને ગાયે અડફેટે લીધા હતાં. નવલસિંહ ઝાલાને જોઈને રખડતી ગાય ઉશ્કેરાઈ હતી અને શિંગડાં ભરાવી તેમને અડફેટે લીધા હતા. આ બનાવમાં એક બાળકને પણ ઈજા થઈ હતી. જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને બ્રેઇન-હેમરેજ થયાનું સામે આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર