ધોરણ 10નું પરિણામ કયા માપદંડોને આધારે તૈયાર કરવું અને ડિપ્લોમા સહિતના પ્રવેશના નિયમો માટે કમિટી રચાશે

શનિવાર, 15 મે 2021 (15:08 IST)
ધોરણ 10નું પરિણામ - રાજ્ય સરકારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું છે. ત્યારે 10મા ધોરણનું પરિણામ કેવી રીતે તૈયાર કરવું અને કયા માપદંડોને આધારે પ્રમોશન આપવું તેમજ ડિપ્લોમા સહિતના આગળા પ્રવેશ માટે કયા નિયમો નક્કી કરવા તે સહિતના મુદ્દે સરકારે તજજ્ઞોની કમિટી રચવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા પરિસ્થિતિની સમિક્ષા કરીને જુનના બીજા કે અંતિમ સપ્તાહમાં લેવામાં આવે તેવી શક્યતાઓ છે.

સરકારે ગુજરાત શિક્ષણ બોર્ડને તજજ્ઞોના નામ નક્કી કરવા આદેશ કર્યો છે. થોડા દિવસમાં કમિટી રચાઈ જશે અને જે તમામ  બાબતોની ચર્ચા વિચારણા કરી સરકારને રિપોર્ટ આપશે.આ કમિટી ધો.10નું પરિણામ કયા માપદંડોને આધારે તૈયાર કરવુ અને ડિપ્લોમા સહિતના આગળના પ્રવેશમાં કેવા નિયમો રાખવા તથા કઈ રીતે મેરિટ તૈયાર કરવુ તે સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરી રિપોર્ટ તૈયાર કરશે. ધોરણ 10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમની 60 હજાર સીટ પર કેવી રીતે પ્રવેશ આપવો તેવો સવાલ સરકારે માસ પ્રમોશન આપ્યા બાદ ચર્ચામાં આવ્યો છે. આ સંજોગોમાં કદાચ ડિપ્લોમામાં પ્રવેશ આપવા માટે એક એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે તેવી શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો બોર્ડ માર્કિંગ સિસ્ટમની જાહેરાત કરે તો ડિપ્લોમા પ્રવેશ માટે વાંધો આવે તેમ નથી. પરંતુ જો માર્કિંગ સિસ્ટમ રાખવામાં નહીં આવે તો માર્કશિટ વિના મેરીટ કેવી રીતે બનાવવું તેવો પ્રશ્ન ડિપ્લોમા એડમિશન કમિટીને નડશે. 

સરકારે ઉતાવળે નિર્ણય કરતા ધો.10ની પરીક્ષા રદ તો કરી દીધી છે અને માસ પ્રમોશન આપવાનું નક્કી કરી નાખ્યુ છે. ત્યારે હવે પરિણામ કઈ રીતે તૈયાર કરવુ અને 8.37 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓને કયા આધારે માસ પ્રમોશન આપવુ તે મોટો પ્રશ્ન છે. સરકારે ખરેખર માસ પ્રમોશનનો નિર્ણય લેતા પહેલા સૂચનો લેવા તજજ્ઞાોની કમિટી બનાવવાની હતી અને તેના બદલે હવે નિર્ણય લેવાઈ ગયા પછી તજજ્ઞાોની કમિટી બનાવી છે. બોર્ડ પરીક્ષાના ઈતિહાસમા પ્રથમવાર માસ પ્રમોશન આપવામા આવનાર છે ત્યારે આટલા મોટા સંવેદનશીલ અને મહત્વના નિર્ણય માટે સરકારે તજજ્ઞાોના સૂચનો લેવાની જરૂર હતી. સરકાર દ્વારા પૂર્વ આચાર્યો તેમજ ટેકનિકલ શિક્ષણના એક્સપર્ટસ સહિતના તજજ્ઞોની એક કમિટી રચાશે.જેમાં બોર્ડના અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બહારના તજજ્ઞો સહિતની 8થી10 સભ્યોની કમિટી બનશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર