પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે
રાજ્યમાં કાર ચાલકો બેફામ પણે ડ્રાઈવિંગ કરી રહ્યાં છે. પુરપાટ ઝડપે કાર હંકારતા ચાલકોને કાયદાનો સહેજ પણ ડર રહ્યો નથી. તેમની બેદરકારીના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે. જ્યારે અનેક લોકો મોતને ભેટે છે. ત્યારે સુરતના ઓલપાડમાં એક સોસાયટીમાં રમી રહેલા દોઢ વર્ષના બાળકને એક કાર ચાલકે અડફેટે લીધો હતો. બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળક મોતને ભેટ્યો હતો. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કાર ચાલકે માસૂમ બાળકને ટાયર નીચે કચડી નાંખ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઓલપાડના ઉમરા ગામે સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટીમાં રહેતા ચિરાગ પરસાણીયાનો દોઢ વર્ષીય પુત્ર કશ્યપ સોસાયટીમાં નીચે રમી રહ્યો હતો. આ દરમિયાન પાડોશમાં રહેતો વિશાલ તેની કારનો ફૂલ સ્પીડમાં ટર્ન લઇ રહ્યો હતો. વિશાલે જોયા વિના જ ટર્ન લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્યાં રમતો દોઢ વર્ષીય બાળક કારની અડફેટે આવી ગયો હતો. કાર ચાલક વિશાલે માસૂમ બાળકને ટાયર નીચે કચડી નાંખ્યો હતો.
પોલીસે કસુરવાર કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો
અકસ્માત સર્જાયા બાદ તુરંત તેના પિતા અને માતાને વાતની જાણ થતાં બાળકને ગંભીર ઇજા પહોચતા સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કશ્યપનું મોત થયું હતું. બનાવનાં પગલે મૃતકનાં પિતા ચિરાગ પરસાણીયાએ ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે કસુરવાર કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.