બીલીમોરામાં તંત્રની બેદરકારીના કારણે 6 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગઈ છે.સીસીટીવી ચેક કર્યા બાદ બાળકી ખુલ્લી વરસાદી ગટરમાં પડી હોવાની જાણ થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પાંચ-છ કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી ફરી વરસાદ શરૂ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો.
ત્યારે આજે વહેલી સવારથી ફરી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. 20 કલાકથી વધુનો સમય વીતવા છતાં હજુ સુધી બાળકીની ભાળ મળી નથી. ગુમ બાળકીને શોધવા માટે હવે SDRFની મદદ લેવાઈ છે. નવસારીના બીલીમોરા શહેરમાં છ વર્ષની બાળકી શાહિન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને પગલે બીલીમોરા નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ફાયરની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે.આજે વહેલી સવારથી બીલીમોરા ફાયરની ટીમ દ્વારા ફાયર બોટ લઈને બાળકીની શોધખોળ હાથ ધરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. ઘટના બન્યાને 20 કલાકથી વધુ સમય થઈ ગયો છે, છતાં હજી સુધી બાળકીનો પત્તો લાગ્યો નથી. ચોમાસામાં ખુલ્લી ગટરને જો બંધ કરવામાં આવી હોત અથવા કોઈ વ્યવસ્થિત કામગીરી થઈ હોત તો આ માસૂમ બાળકી પાણીમાં ગરકાવ થઈ ન હોત. બીલીમોરાના વખારીયા રોડ પર આવેલા જીવનજ્યોત એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતી 6 વર્ષની માસૂમ બાળકી લાપતા થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવી ચકાસતા પોતાના ઘર નજીક વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકી હોવાનું જોવા મળ્યું હતું. બાળકી ગટરમાં પડ્યા બાદ ધીમે ધીમે પાણીમાં ગરકાવ થતી જોવા મળી હતી. બીલીમોરા શહેરમાં જે ગટરમાં બાળકી લાપતા બની છે તે ગટરની લાઈન અંબિકા નદીમાં નીકળતી હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા અંબિકા નદીના પટમાં જઈને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. વરસાદના કારણે ત્યાં પણ પાણીમાં વધારો થયો હોવાથી બાળકીની શોધખોળ પડકારરૂપ બની હતી. ચાર પાંચ કલાક સુધી બચાવ કામગીરી હાથ ધરાયા બાદ વરસાદ ચાલુ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો.