રાજ્યસભા અને લોકસભામાં નીટ પર બોલતી વખતે રાહુલ ગાંધી અને ખડગેનાં માઇક બંધ કરાયાં

શુક્રવાર, 28 જૂન 2024 (15:13 IST)
કૉંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે માઇક ઑફ કરીને કૉંગ્રેસના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો છે.
 
લોકસભામાં રાહુલ ગાંધી અને રાજ્યસભામાં કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે નીટ પર ચર્ચાની માગ કરી રહ્યા હતા.
 
કૉંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર બંને ગૃહોની વીડિયો ક્લીપ પણ પોસ્ટ કરી છે. વિપક્ષે સ્પીકર ઓમ બિરલા સમક્ષ નીટ પર ચર્ચા કરાવવાની માગ કરી હતી.
 
ઓમ બિરલાએ વિપક્ષને કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન પોતાની વાત મૂકી શકે છે. અત્યારે તેઓ જે કહેશે તે રેકૉર્ડ પર નહીં જાય.
 
ઓમ બિરલા આ જવાબ આપી રહ્યા હતા તે દરમિયાન પાછળથી બોલી રહેલા સાંસદોએ માઇક ઑફ કરવાનો આરોપ લગાવ્યો. જવાબમાં ઓમ બિરલાએ કહ્યું, “તેઓ માઇક બંધ નથી કરતા.”
 
રાજ્યસભામાં પણ આવા જ દૃશ્યો સર્જાયા. કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે પેપરલીક પર પોતાની વાત મૂકી રહ્યા હતા કે સભાપતિએ કહ્યું કે તેમની વાત રેકૉર્ડ પર નહીં જાય.
 
કૉંગ્રેસે આ મામલે આરોપ લગાવતા કહ્યું કે સરકાર વિપક્ષનો અવાજ દબાવવા માગે છે.
 
અગાઉ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ સ્થગિત કરી દેવામાં આવી. વિપક્ષે માગ કરી હતી કે દેશમાં ચાલી રહેલા નીટ વિવાદ પર ચર્ચા કરવામાં આવે.
 
જોકે ઓમ બિરલાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે સ્થગન પ્રસ્તાવ અને શૂન્યકાળ રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન નહીં ચાલે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર