5 વર્ષ સુધીની વયના બાળકોમાં હૃદયની બીમારીના 72500, કિડનીના 11 હજાર તો કેન્સરના 6900 કેસ

શુક્રવાર, 11 માર્ચ 2022 (13:07 IST)
રાજ્યમાં ધોરણ-12 સુધીના વિધાર્થીઓ અને 18 વર્ષ સુધીના શાળાએ ના જતાં બાળકોમાં ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. દર વર્ષે સરકાર દ્વારા કરવામાં આવતા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના આંકડાઓમાંથી આ ચોંકવાનારી વિગતો બહાર આવી છે. 2015-16થી 2019-20ના 5 વર્ષના આંકડાઓ પ્રમાણે, આ સમયગાળા દરમિયાન બાળકોમાં હૃદય સંબંધિત બીમારીમાં 650 ટકાનો વધારો થયો છે. કિડની સંબંધિત બીમારીમાં 450 ટકા જ્યારે કેન્સરના પ્રમાણમાં 550 ટકા વધારો નોંધાયો છે.2015-16માં હૃદયને લગતા 2695, કિડનીને લગતા 523 જ્યારે કેન્સરના 283 કેસ આવ્યા હતા જેની સામે 2019-20માં હૃદયને લગતા 20674, કિડનીને લગતા 2869 જ્યારે કેન્સરના 2855 કેસ આવ્યા હતા. દર વર્ષે આંગણવાડીથી લઇ ધોરણ-12 સુધી અભ્યાસ કરતાં તમામ વિધાર્થીઓ અને 18 વર્ષ સુધીના શાળાએ ન જતાં બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. સરકારના બજેટને લગતા એક પ્રકાશન ‘પ્રવૃતિની રૂપરેખા’માં આ વિગતો આપવામાં આવી છે. બીમાર હોય એવા એકથી 2 લાખ બાળકોને નિષ્ણાત તબીબો પાસે રીફર કરાય છે. બાળરોગ, આંખ, દાંત, ચામડીના તબીબો પાસે નિદાન કરાવી સારવાર અપાય છે. 2020-21 અને 2021-22માં કોરોનાને લીધે ચેકઅપ થયું નહોતું.શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમમાં સ્થળ પર જ બાળકોની તપાસ કરી તેમની સારવાર કરવામાં આવે છે. જો બાળકને વધારે સારવારની જરૂર જણાય તો નજીકની હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં રીફર કરાય છે. 2020-21માં કોરોનાના કારણે શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ થયો નહોતો પણ હૃદયના 11974, કિડનીના 1773સ કેન્સરના 1090 બાળ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જે કેસમાં જરૂર લાગે વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ બાળકને હૃદય સંબંધિત રોગ હોય તો અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે, કિડની સંબંધિત રોગ હોય તો અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલ ખાતે અને કેન્સરમાં અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલ ખાતે મોકલાય છે.દર વર્ષે અંદાજે 1.55 કરોડથી 1.60 કરોડ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. જેમાંથી 20થી 25 લાખ બાળકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર