દુબઈ ટૂરના નામે 41ને ઠગાઈ કરનારી મહિલાની ધરપકડ, ફોન લોકેશનના આધારે બનાસકાંઠાના કાકરથી પકડાઈ

ગુરુવાર, 18 નવેમ્બર 2021 (12:04 IST)
દહેગામમાં 41 લોકોને દુબઈ ટૂર કરવવા માટે રૂ. 17.60 લાખ ભર્યા હતા. આ રૂપિયા લઈ જનારી સુરતની મહિલા ટૂર ઓપરેટર સામે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ દહેગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આથી દહેગામ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપી મહિલાને તેના મોબાઇલ લોકેશનના આધારે બનાસકાંઠા જિલ્લાના શિહોરી પાસેના કાકર ગામેથી ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. દહેગામ શહેરમાં રહેતા કમલભાઈ પુરુષોત્તમદાસ અમીને નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મિત્રો સાથે મળીને અમીન મિત્ર મંડળ નામનું મંડળ ચલાવે છે. ઉપરાંત મંડળમાં દર બે વર્ષે તેમાં જમા થતી રકમમાંથી ટુરનું આયોજન કરે છે. આ વર્ષે તેમણે દુબઈ જવાનું નક્કી કરતા તેમના પરિચિત સચીનભાઈ સોનીને વાત કરી હતી. જેથી સચીનભાઈએ સુરતની શાહ ટુર એન્ડ ટ્રાવેલ્સના લીનાબેન શાહને વાત કરી હતી. ત્યારબાદ કમલભાઈએ ગત તારીખ 17મી જુલાઈથી ગત 28મી, ઓગસ્ટ સુધી કુલ રૂ. 17.60 લાખ લીનાબેન શાહને આપ્યા હતા. તેમ છતાં તેમણે ટુર કરાવવાનો વિશ્વાસ અપાવી ટુર કરાવી નહી ઉપરાંત ભરેલા રૂપિયા પણ પરત આપ્યા નહી. આથી કમલભાઈ અમીને ટુર કરાવનાર લીનાબેન શાહ વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનના પીઆઈ જે.કે.રાઠોડ તથા એન.એન. તળાવીયાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.ડી. રાઠોડ, પી.જે.રાવલ સહિતની ટીમે લીનાબેન શાહનું મોબાઈલ લોકેશન મેળવ્યું હતું. જે બનાસકાંઠા જિલ્લાના શિહોરી પાસેના કાકર ગામનું મળતા દહેગામ પોલીસની ટીમે બનાસકાંઠા પોલીસની ટીમને સાથે રાખી લીનાબેન શાહની ધરપકડ કરી હોવાનું દહેગામ પોલીસે જણાવ્યું છે. દુબઈની ટુરના નામે ઠગાઇ કરનાર આરોપી લીનાબેન શાહ વિરુદ્ધ અમદાવાદનાં સોલા પોલીસ સ્ટેશન તેમજ ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે પણ ગુના નોંધાયા હતો. ઉપરાંત અગાઉ સુરતના રાંદેર પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો નોંધાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર