ગુજરાત ST નિગમના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો, નાણા વિભાગે મંજૂરી આપી

ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (18:02 IST)
ગુજરાત સરકાર દ્વારા થોડા દિવસો પહેલા જ રાજ્યભરના ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કર્યો હતો તે સમયે એસટી નિગમના ફિક્સ-પેના કર્મચારીઓનો સમાવેશ તેમા કરવામાં આવ્યો ન હતો ત્યારે હવે સરકારે એસટી નિગમના ફિક્સ-પેના કર્મચારીઓનો સમાવેશ કરીને તેમના પગારમાં 30 ટકા વધારો કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે. આજે સરકારના નાણાં વિભાગે સરકારના નિર્ણયને મંજુરી આપી દીધી છે. નાણા વિભાગ દ્વારા મંજૂરી મળી જતાં ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો થશે.
 
ફિક્સ પે કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો
અગાઉ નવેમ્બર મહિનામાં એસ.ટી.વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી વચ્ચે બેઠક યોજાઈ હતી.ત્યાર બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ST કર્મચારીઓ પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી 7 હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે. જે બાદ નાણા વિભાગે પણ આ મુદે લીલીઝંડી બતાવી દીધી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર