બોરવેલમાં પડી ગયેલ બાળકીનું નિધન

ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (15:16 IST)
vadodara news
વડોદરામાં બોરવેલમાં પડેલી ચાર વર્ષની બાળકીનું ફાયર વિભાગની ટીમે મિનિટોમાં જ રેસ્ક્યૂ કર્યું હતું પણ તેનો જીવ બચાવી શકાયો નથી. બાળકીના મોં અને નાકમાં થોડી માટી ફસાઈ ગઈ હતી, જેથી બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના છાણી જકાતનાકા પાસે યોગીનગર ટાઉનશિપ પાસે સવારના 11 વાગ્યાની આસપાસ રમતા-રમતા બાળકી બાજુના ખેતરમાં ચાલી ગઈ હતી, જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. પતરાની ઓરડી બનાવવા માટે ખોદવામાં આવેલા 8થી 10 ફૂટ ઊંડા ખાડામાં બાળકી ઊંધા માથે પડી ગઈ હતી. જે અંગેની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતાં અને બહાર કાઢવા પ્રયાસો શરૂ કર્યા હતા. બાદમાં 11.30એ છાણી ટીપી 13 ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 
 
ફાયરની ટીમે જેસીબી મશિન સહિતની મદદથી 20 મિનિટમાં જ બાળકીને બહાર કાઢી લીધી હતી. બાળકીને બેભાન હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.આ અંગે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, અમને કોલ મળ્યો હતો કે એક બાળકી ઊંડા ખાડામાં પડી ગઈ છે. જેથી અમારી ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં જોતા 10થી 15 ફૂટ ઊંડા ખાડામાં બાળકી ફસાયેલી હતી. જેને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 મિનિટ જેટલા સમય બાદ બાળકીને ખાડામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. બાળકીના મોં અને નાકમાં થોડી માટી ફસાઈ ગઈ હતી, જેથી બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર