કોંગ્રેસના 18થી વધુ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશેઃ ધવસસિંહ ઝાલાનો દાવો

ગુરુવાર, 18 જુલાઈ 2019 (11:43 IST)
બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોર સાથે ઝાલા આજે ભાજપમાં પ્રવેશ કરશે. આ બંને નેતાઓને ભાજપમાં જોડવા માટે મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી કમલમ ખાતે ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે આ પૂર્વ એક વાતચીતમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસના 18 ધારાસભ્યો પાર્ટીનો હાથ છોડશે. ધવલસિંહ ઝાલાએ જણાવ્યું, “ સમાજના વિકાસની ગરીબોના વિકાસની વાત આવે ત્યારે ભાજપમાં રહીને તમામ કામો થઈ શકશે એવો મને વિશ્વાસ છે. કોંગ્રેસમાં ઠાકોર સેનાના તમામ કાર્યકરોનું અપમાન થઈ રહ્યું હતું. અમે અમારા સમાજના આગેવાનો અને કાર્યકર્તાના સહયોગથી આગળ આવ્યા છીએ. અમે તેમની વાતને માન્ય રાખી અમે ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છીએ. મારો અરવલ્લી જિલ્લો ખૂબ જ પછાત છે. અન્ય જિલ્લાની દૃષ્ટીએ મારો જિલ્લો પછાત છે મારે જિલ્લાનો વિકાસ કરવો છે. ”ધવલસિંહે જણાવ્યું, “કોંગ્રેસમાં હતો ત્યારે પણ હું વારંવાર રજૂઆત કરતો હતો કે પાર્ટીની વિરુદ્ધ જે લોકો કામ કરી રહ્યાં છે, તેની વિરુદ્ધમાં એક્શન લેવામાં આવે. ભાજપમાં વિચારધારા મહત્વની છે, કોંગ્રેસમાં નેતા મહત્વનો છે, મારે મારા પિતાની કામગીરી કરવાની છે. ”ધવલસિંહે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે. આ વિખવાદના કારણે કોંગ્રેસ જીતી નથી શકતી અને તેના કારણે પ્રજાનું કામ નથી થઈ રહ્યું. કોંગ્રેસના વિખવાદથી પ્રજાને અન્યાય થઈ રહ્યો છે. તેથી સત્તાધારી પક્ષને સાથે રાખી અમે પ્રજાનું કામ કરવા માંગીએ છીએ.ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મારી માહિતી મુજબ કોંગ્રેસના 18થી વધુ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને એ લોકો કોંગ્રેસને સમય આવ્યે અલવિદા કહી દેશે.ધવલસિંહ ઝાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં ઠાકોર ક્ષત્રિય સમાજના બંધારણ અંગે કહ્યું હતું કે એ બંધારણ યોગ્ય છે, બસ તેમાં મોબાઇલના પ્રતિબંધનો મુદ્દો ચિંતાજનક છે, મારા મતે કુંવારી દીકરીઓને જ નહીં પરંતુ દિકરાઓને પણ શિક્ષણ દરમિયાન મોબાઇલ ન આપવો જોઈએ. દિકરાઓ મોબાઇલમાં PUBG રમ્યા કરે છે, તેથી તેના શિક્ષણને માઠી અસર થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર