શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં આટલા વર્ષોમાં અનેક ચૂંટણીઓ યોજાઇ છે. આજ સુધી આદર્શ ચૂંટણી પ્રક્રિયા આપણા દેશની હતી. તેમજ અત્યાર સુધી સત્તાધારી પક્ષને પણ ફફડાટ રહેતો હતો.આજે ભાજપના શાસનમાં વિદેશી મીડિયામાં આપણી લોકશાહી અને આપણી ટીકાઓ થઈ રહી છે. લોકશાહીમાં પક્ષપાત વગર ચૂંટણીઓ યોજાય ત્યારે ભાજપ આપણા સુવર્ણ ઇતિહાસને કલંકિત કરવાનું કામ કરે છે. બે કરોડ રોજગાર, દરેકના ખાતામાં 15 લાખ, ડોલર નબળો પડે તો આપણી દિલ્હીની સરકાર નબળી પડી રહી છે તેવા ભાજપના નિવેદનો આજે લોકો યાદ કરે છે. તેમણે સ્લોગન આપતા જણાવ્યું હતું કે હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે ઇસ પાર, યા ઉસ પાર પણ હવે ભાજપને કરવાના છે તડીપાર.પૂર્વમંત્રી જય નારાયણ વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, હું કોઈ પણ પ્રકારના આક્ષેપ નથી કરવા માંગતો, પરંતુ કોંગ્રેસના જે 11 ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. ત્યારે કોઈપણ ખાતુ ક્યારે ફ્રીઝ થાય? જો કોઈ પ્રકારનું બાકી લેણું ન ભર્યું હોય, ખાતુ શંકાસ્પદ હોય, ખાતું નિષ્ક્રિય હોય, કે ખાતાધારકનું મૃત્યુ થયું હોય. જ્યારે આ બધામાંથી કશું જ નથી થયું છતાં તપાસ એજન્સીઓનો દુરૂપયોગ કરીને ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. વાતો 3.5 ટ્રિલિયન ઇકોનોમીની થઈ રહી છે. ભાજપે ખરીદ વેચાણના ભાવ ઉંચા કરી દીધા. કોંગ્રેસના સામાન્ય રૂપિયા બ્લોક કર્યા, કદાચ એ રૂપિયા ભાજપ ફ્રી કરે તો પણ તેને કોઈ પણ ફરક ના પડે. શક્તિસિંહ ગોહિલે ઇલેક્ટોરલ બોન્ડ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપે 82 અબજ 52 કરોડ રૂપિયા લઈ લીધા છે. અમારા થોડા બચેલા રૂપિયા પણ ફ્રીઝ કરી દીધા છે. તેમજ ભાજપે બીજી નોટિસ એવી આપી છે કે 1993-94માં કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરી વખતે પિનલ ચાર્જીસ શું હતા? તેની ડિટેલ ફરીથી મોકલો જેવી અનેક બાબતોથી અમે આર્થિક ભીંસમાં આવીને ચૂંટણી ન લડી શકીએ તે માટે હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું ભાજપને કહેવા માગું છું કે કોંગ્રેસના ખાતા સીલ કરી દેવાથી અમે ડરી નથી જવાના અમને જનતા વોટ પણ આપશે અને નોટ પણ આપશે.ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પક્ષને 2017-18થી ઇન્કમટેક્સ દ્વારા રિટર્ન ફાઇલ કરવા માટે વારંવાર નોટિસો આપવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા યોગ્ય જવાબ અપાયો ન હતો જેના કારણે કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.