પંકજ કુમારે જણાવ્યું કે વાવઝોડું ગુજરાતને ટકરાયા બાદની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે વરસાદના કારણે ઊભી થનારી મુશ્કેલીઓને નિવારવા માટે સમગ્ર તંત્ર સજ્જ છે અને જરૂર પડ્યે રેસ્કયુ ઓપરેશન માટેની તમામ તૈયારીઓ અત્યારથી જ કરી લેવામાં આવી છે. આ માટે 3 રિઝર્વ ટીમ સહિત NDRFની 44 ટીમ તથા SDRFની 10 ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ ઉપરાંત, ફોરેસ્ટ વિભાગની 262 તેમજ માર્ગ અને મકાન વિભાગની 262 ટીમ તૈનાત કરવામાં આવી છે.
આ વાવાઝોડાની સૌથી વધુ અસર પશ્ચિમ ગુજરાતના પોરબંદર, જુનાગઢ, ગિરસોમનાથ, અમરેલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં થવાની શકયતા છે. આ ઉપરાંત, નજીકના બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ, દક્ષિણ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ અસર થવાની શકયતા દર્શાવાઈ છે. જ્યારે વલસાડ તથા નવસારી જિલ્લાઓમાં વાવાઝોડાના પગલે વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
તેમણે જણાવ્યું કે આ અત્યંત ગંભીર પરિસ્થિતિ છે અને વાવાઝોડું 180 થી 190 કિમીની ઝડપે ત્રાટકી શકે છે. વાવઝોડું રાત્રે 8 વાગ્યા પછી ગુજરાતના દરિયાકાંઠે ટકરવાની શક્યતા છે, પરંતુ તેની અસર બપોરથી જ શરૂ થઈ જશે.