આપણો ભારત દેશ એટલે તહેવારોનો દેશ. અહીના તહેવારો એવા છે કે જે માનવીના જીવનમાં નવી તાજગી ભરી દે છે. માર્ચ થી જુલાઈ સુધી ગરમીથી ત્રાહીમામ થતો માણસ ઓગસ્ટમાં રીમઝીમ વરસાદ સાથે આવતા તહેવારોથી પ્રફુલ્લિત થઈ ઉઠે છે. આ તહેવારોમાંથી રક્ષા બંધન એક એવો તહેવાર છે જે એક પ્રેમનુ બંધન છે. આ તહેવાર એવો છે જે રક્ષા માટે પ્રેમથી બંધાતુ બંધન છે.
જેમા એક એવું બંધન કે જેના આગમાનના અહેસાસ માત્રથી વાતાવરણમાં અનેરી તાજગી પ્રસરી જાય છે. રક્ષા કવચ એવું બંધન કે જેમાં ભાઈની કલાઈ પર રક્ષાકવચ બાંધીને નિસ્વાર્થ પણે પોતાનો પ્રેમ રજૂ કરે છે.આપણે બધા સામાજિક પ્રાણી છે, જે એક બીજા સાથે સંકળાયેલા રહેવ માટે સ્વેચ્છાએ સંબંધોના બંધનમાં બંધાઈયે છીએ. આ બંધન આપણી સ્વતંત્રતા છીનનારુ બંધન નથી પરંતુ પ્રેમનુ બંધન હોય છે. જેને આપણે જીંદાદીલીથી જીવીએ અને સ્વીકારીએ છીએ.
આપણા સમાજમાં દરેક સંબંધનો કોઈને કોઈ નામ આપવામાં આવે છે. ઠીક એ જ રીતે માણસ અને સ્ત્રીના પણ ઘણા સંબંધો છે, પણ એ સંબંધોમાં સૌથી પ્રેમાળ સંબંધ છે ભાઈ-બહેનનો. આ સંબંધ દરેક સંબંધ કરતા મીઠો અને વ્હાલો હોય છે કારણ કે આ સંબંધમાં દરેક ડોરથી મજબૂત ડોર હોય છે. આ પ્રેમ રક્ષાબંધનના દિવસ ભાઈને પોતાની લાડકી બહેન પાસે ખેંચી લાવે છે.
રક્ષાબંધન ફક્ત એક તહેવાર નથી પરંતુ આપણી પરંપર્રાઓનુ પ્રતીક છે જે આજે પણ આપણને આપણ પરિવારના સંસ્કારો સાથે જોડી રાખે છે. રક્ષાબંધન બહેનની રક્ષાની પ્રતિબધ્ધતાનો દિવસ છે, જેમા ભાઈ દરેક દુ:ખ તકલીફમાં પોતાની બહેનનો સાથ આપવાનુ વચન આપે છે. આ જ એ વચન છે, જે આજના સમયમાં પણ ભાઈ-બહેનને વિશ્વાસના બંધનમાં બાંધી રાખે છે.
આ જ એ તહેવાર છે, જેમા બહેન પોતાના ઘર એટલે કે પોતાના પિયરમાં આવે છે. ત્યારે તો દરેક રક્ષાબંધનની જેટલી આતુરતાથી પોતાના ભાઈના આવવાની રાહ જોતી હોય છે એટલીજ આતુરતા ભાઈને પણ તેના હાલચાલ જાણવાની હોય છે. બહેનને સુખી જોઈને ભાઈના ચહેરા પર જે સંતોષ અને ખુશી જોવા મળે છે એ સાચે જ દર્શાવે છે કે ઈશ્વરે બનાવેલ આ સંબંધ કેટલો અદ્દભૂત છે. ભાઈ-બહેન જ્યારે મળે છે ત્યારે બધી જૂની યાદો તાજી કરીને, મજાક મસ્તી સાથે જે વાતાવરણ ઉભુ કરે છે એ સાચે જ યાદગાર બની જાય છે.
P.R
તમે પણ આ તહેવારને પ્રેમપૂર્વક ઉજવો અને આ દિવસે તમારી બહેનને તેની ખુશીઓની ભેટ આપો. યાદ રાખજો કે ભાઈ-બહેનનો આ સંબંધ જેટલો મજબૂત અને વ્હાલો છે તેટલો જ નબળો પણ છે તેથી આ સંબંધને સદા મજબૂતીથી બાંધી રાખજો.