જાણો કોણ છે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા

શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (13:40 IST)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભરૂચ અને તેની આસપાસના વિસ્તારમાં લોકપ્રિય નેતા ચૈતર વસાવા પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.ચૈતર વસાવા સામે વનવિભાગના કર્મચારીઓને ધમકી આપવાનો અને મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે. જેમાં તેમની ધરપકડ કરાઈ હતી અને હવે તેઓ શરતી જામીન પર બહાર આવ્યાં છે.

ભાજપ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી 26માંથી 26 સીટ જીત્યો છે. ચૈતર વસાવાની લોકપ્રિયતા વધતા કેટલાક રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે તેઓ ભાજપનું 26માંથી 26 ગણિત ખોરવી શકે છે. ચૈતરભાઈ દામજીભાઈ વસાવા હાલ નર્મદા જીલ્લાના દેડિયાપાડાથી AAP ના ધારાસભ્ય છે. નર્મદા જીલ્લામાં વન અધિકારીઓ પાસેથી વસુલી અને હુમલો કરવાના કથિત મામલામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર વન અધિકારીઓને ધમકી આપવાનો અને હવામાં ગોળીબારી કરવાનો આરોપ છે. આ મામલામાં તેના પત્ની શકુંતલાબેનની પણ ઘરપકડ કરવામાં હતી. હાલમાં તેઓ જેલમાંથી બહાર આવ્યાં છે.

તેમના દાદા ભંગડાભાઈ વર્ષોથી ખેત-મજૂરી કરતા હતા. તેમને પાંચ પુત્રો છે, જેમાં ચૈતર વસાવાના પિતા દામજીભાઈ વસાવા સૌથી મોટા છે. ચેતર વસાવાને પણ ચાર બહેન અને પાંચ ભાઈ છે. દાદા સહિતનો આખો પરિવાર સાથે રહે છે. બધાનાં બાળકો ભણે છે. ખેતી ઉપરાંત લેબર કોન્ટ્રેક્ટનાં નાનાં કામો પણ કરે છે. ચૈતરના પિતા-દાદા ખેતી કરતા હતા, ક્યારેય રાજકારણમાં નહોતા. એક સમયે ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે,  હું ખેતીવાડી અને મહેનત-મજૂરી કરીને બીઆરએસ ગ્રેજ્યુએટ પૂરું કર્યું છે. ત્યાર બાદ થોડો સમય ગ્રામસેવક તરીકે સરકારી નોકરી કરી પછી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. લોકો અમારી પાસે યોજનાના કે કોઈ ફોર્મ ભરાવવા આવતા અને કહેતા કે તમે ફોર્મ ભરીને આપો છો તો અમારાં કામ થઈ જાય છે. તો તમે રાજકારણમાં આવોને? તમારા જેવા લોકોની ત્યાં જરૂર છે પણ મારી આર્થિક સ્થિતિ ખરાબ હતી તો મૂંઝવણ હતી કે નોકરી કેમ છોડવી? પરિવારજનો પણ કહેતા કે મુશ્કેલીથી નોકરી મળી છે તો પછી ઘર કેમ ચાલશે? જોકે એક સપ્તાહ સુધી વિચાર કર્યા બાદ અંતે નોકરી છોડવાનું નક્કી કરી જાહેર જીવનમાં આવ્યો.

લોકોના પ્રશ્નો ઉઠાવતી વખતે જેલમાં જવું પડ્યું ત્યારે સ્થિતિ વિકટ બની હતી. ત્રણ મહિના રાજકોટ જેલમાં અને સાત મહિના તડીપારમાં બહાર રહેવાનું થયું. આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી, પણ મારા ગામના લોકો અને આજુબાજુના ગામના લોકોએ ખૂબ સાથ-સહકાર આપ્યો હતો. જેમનાથી બને એ રીતે 500 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીની મદદ કરતા હતા. એનાથી મારું મનોબળ મજબૂત થયું હતું અને તમામ ખોટા કેસોમાંથી નિર્દોષ છૂટીને બહાર આવ્યો છું.40 ટકાથી વધુ મુસ્લિમ મત ધરાવતી ભરૂચ લોકસભા સીટ પર 1957થી 1984 સુધી કૉંગ્રેસનો દબદબો રહ્યો છે અને ત્યારબાદ 1989થી 2019 સુધી ભાજપ ખૂબ સારા મતોથી કૉંગ્રેસની સામે જીતતો આવ્યો છે.

જો છેલ્લી 2019ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપના મનસુખ વસાવાને 55.47 ટકા મતો મળ્યા હતા, જ્યારે કૉંગ્રેસના શેરખાન પઠાણને માત્ર 26.40 ટકા મતો મળ્યા હતા.આ સીટ પર 1989 સુધી માત્ર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતો રહ્યો છે. જોકે ત્યારબાદ છોટુભાઈ વસાવાની પાર્ટી બીટીપી આવતા ત્રિપાંખિયો જંગ જોવા મળતો હતો.ભરૂચ લોકસભાની સીટ પર 14 લાખ જેટલા મતદારો છે, જેમાં 7.34 લાખ પુરુષ મતદારો અને 6.82 લાખ મહિલા મતદારો હતાં. ભરૂચ લોકસભા સાત વિધાનસભા સીટથી બનેલી છે, જેમાં ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ, અંકલેશ્વર અને કરજણ વિધાનસભાઓ સામેલ છે. હાલમાં ડેડિયાપાડા સિવાય તમામ વિધાનસભા સીટ પર ભાજપના ધારાસભ્ય છે, જ્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ગત વિધાનસભા 2022માં ચૂંટણી જીત્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર