2014 પછી કેન્દ્રમાં ભાજપ આવ્યા બાદ રાજ્યોમાં ક્યાં અને કેવી રીતે સરકાર બદલાઈ?
શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (00:30 IST)
ગુજરાતના મુખ્ય મંત્રી રહી ચૂકેલા નરેન્દ્ર મોદીએ 26 મે, 2014માં પહેલી વાર દેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. 2014થી 2024ની આગામી લોકસભા ચૂંટણી દરમિયાન દેશના રાજકારણમાં અનેક મોટો ફેરફારો થયા છે.
વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ ભાજપે અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવી છે, તો કેટલીક જગ્યાએ પાર્ટીને વધુ મજબૂત કરી છે.
મહારાષ્ટ્રનો મુદ્દો દેશમાં સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, જ્યારે ઉદ્ધવ ઠાકરેની સરકારના પાયા હમચમી ગયા હતા. શિંદે જૂથે બળવો પોકાર્યો અને ઉદ્ધવ ઠાકરેની ગઠબંધન સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી.
તો મધ્ય પ્રદેશમાં કમલનાથના નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર હતી અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કરતા સરકાર પડી ભાંગી હતી.
એવી જ રીતે તાજેતરમાં બિહારમાં પણ નેતૃત્વમાં પરિવર્તન થયું છે. મહાગઠબંધનથી ચાલતી નીતીશકુમારના નેતૃત્વવાળી સરકાર હવે રહી નથી. નીતીશકુમારે ભાજપના સમર્થનથી ફરી બિહારનું સુકાન સંભાળ્યું છે.
દેશના રાજકારણ પર નજર કરીએ તો ભૂતકાળમાં અનેક એવી ઘટના બની છે, જ્યારે ભાજપે વર્તમાન સરકારને લઘુમતીમાં લાવી દીધી હોય અથવા નેતાઓની અદલાબદલથી પોતાને મજબૂત કરી હોય.
બિહારમાં ફરી ભાજપ સાથે નીતીશકુમારની સરકાર
28 જાન્યુઆરી, 2024માં બિહારના રાજકારણમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો. વર્તમાન મુખ્ય મંત્રી નીતીશકુમારે મહાગઠબંધન સાથે છેડો ફાડીને રાજીનામું આપી દીધું અને ફરી ભાજપના સમર્થનથી સરકાર બનાવી અને પોતે મુખ્ય મંત્રી બન્યા. જ્યારે ભાજપના સમ્રાટ ચૌધરીને ઉપમુખ્ય મંત્રી બનાવાયા છે.
નીતીશકુમાર અગાઉ એનડીએનો સાથ છોડી ચૂક્યા હતા. જ્યારે નરેન્દ્ર મોદીને ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે 17 વર્ષના ગઠબંધન બાદ 2013માં નીતીશકુમારે એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો.
બાદમાં તેમણે આરજેડી અને કૉંગ્રેસ સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું. 2017માં તેઓ ફરી એનડીએમાં સામેલ થયા હતા.
બાદમાં ફરી એનડીએ છોડીને મહાગઠબંધનમાં આવ્યા અને હવે ફરી પાછા ભાજપ સાથે મળીને સરકાર બનાવી છે.
મહારાષ્ટ્રમાં ભાજપ સમર્થિત એકનાથ શિંદેની સરકાર
મહારાષ્ટ્રમાં હાલ ભાજપ અને શિવસેના (એકનાથ શિંદે જૂથ)ની ગઠબંધન સરકાર છે. મુખ્ય મંત્રી એકનાથ શિંદે છે અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ ઉપમુખ્ય મંત્રી છે.
અગાઉ શિવસેના, કૉંગ્રેસ, એનસીપીની સંયુક્ત સરકાર હતી. જોકે 2022માં ઉદ્ધવ ઠાકરેની સરકારમાં મંત્રી રહી રહેલા એકનાથ શિંદેએ 16 જેટલા ધારાસભ્યો લઈને પાર્ટીમાં બળવો કર્યા બાદ સરકાર પડી ભાંગી હતી.
2019માં ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડી હતી, જોકે મુખ્ય મંત્રી કોનો હશે એ મામલે વિવાદ થતા બંને પાર્ટી જુદી પડી હતી.
બાદમાં શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી અને ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બન્યા હતા. જોકે ફરી સત્તામાં પરિવર્તનનાં એંધાણ આવ્યાં હતાં.
23 નવેમ્બર, 2019માં એનસીપી પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજિત પવાર કેટલાક ધારાસભ્યોને લઈને અચાનક રાજભવન પહોંચ્યા હતા.
એ સમયે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી તરીકે અને અજિત પવારે ઉપ મુખ્ય મંત્રીપદના શપથ લઈ લીધા હતા. જોકે બાદમાં અજિત પવાર પાછા એનપીસીમાં આવી ગયા અને ફડણવીસે વિશ્વાસમત મેળવ્યા વિના મુખ્ય મંત્રીપદે રાજીનામું આપી દીધું હતું.
થોડા સમય પછી અજિત પવારે એનસીપી છોડી દીધી.
મધ્ય પ્રદેશમાં કલમનાથની સરકાર પડી ભાંગી
મધ્ય પ્રદેશમાં હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને મોહન યાદવ મુખ્ય મંત્રી છે. અગાઉ શિવરાજસિંહ ચૌહાણ મુખ્ય મંત્રી હતા.
વર્ષ 2018માં મધ્ય પ્રદેશમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 109 સીટ મળી હતી, જ્યારે કૉંગ્રેસને 114 સીટ મળી હતી.
એ સમયે કૉંગ્રેસે કમલનાથના નેતૃત્વમાં અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી અને મુખ્ય મંત્રી કમલનાથ બન્યા હતા.
જોકે આ સરકાર બહુ લાંબું ખેંચી શકી નહોતી. સરકાર બન્યાના માત્ર દોઢ મહિનાની અંદર કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે સત્તાસંઘર્ષ શરૂ થયો હતો.
આખરે એ સંઘર્ષ સત્તાપરિવર્તનનું કારણ બન્યો હતો.
માર્ચ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયા 22 ધારાસભ્યોને લઈને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. કૉંગ્રેસની સરકાર લઘુમતીમાં આવી ગઈ.
બાદમાં ભાજપના શિવરાજસિંહ ચૌહાણ ફરી એક વાર મુખ્ય મંત્રી બન્યા હતા.
ગોવામાં ભાજપે સરકાર બનાવી લીધી
ગોવામાં વિધાનસભાની 40 સીટ છે. જોકે અહીં પણ ધારાસભ્યોની અદલાબદલી એક સામાન્ય વાત છે.
વર્ષ 2019માં પૂર્વ રક્ષામંત્રી મનોહર પાર્રિકરના નિધન બાદ કૉંગ્રેસના દસ ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં ચાલ્યા ગયા હતા.
2017ની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી કૉંગ્રેસ બની હતી. કૉંગ્રેસ પાસે 17 અને ભાજપ પાસે 13 ધારાસભ્યો હતા.
ભાજપ તેમ છતાં સરકાર બનાવવામાં સફળ રહ્યો હતો.
ત્યાર બાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને 11 સીટ મળી હતી. જ્યારે ભાજપને 20 સીટ મળી હતી.
જોકે ત્યાર બાદ સમયાંતરે કૉંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડતા ગયા અને ભાજપમાં સામેલ થઈ ગયા.
હાલની તારીખમાં ગોવામાં હાલ ભાજપના ધારાસભ્યોની સંખ્યા 28 થઈ ગઈ છે. જ્યારે કૉંગ્રેસ પાસે માત્ર ત્રણ ધારાસભ્યો બચ્યા છે.
કર્ણાટકમાં 14 મહિનામાં સરકાર પડી
હાલમાં કર્ણાટકમાં કૉંગ્રેસની સરકાર છે અને મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા છે.
કર્ણાટકમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી. 224 સીટવાળી વિધાનસભામાં કૉંગ્રેસને 135 અને ભાજપને 66 સીટ મળી હતી.
જોકે અહીં પણ કૉંગ્રેસના ગઠબંધનની સરકાર લઘુમતીમાં આવી હોય એવા સંજોગો પેદા થયા હતા.
કર્ણાટકમાં 2018ની વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં જનતા દળ (સેક્યુલર) અને કૉંગ્રેસ ગઠબંધનની સરકાર બની હતી.
જોકે 14 મહિનામાં સરકાર પડી ભાંગી હતી.
કેટલાક ધારાસભ્યોએ બળવો કર્યો અને ભાજપ સાથે મળી ગયા અને ભાજપે સરકાર બનાવી.
બળવા બાદ ભાજપે બે મુખ્ય મંત્રી બદલ્યા હતા. પહેલા યેદિયુરપ્પા અને બાદમાં બોમ્મઈને મુખ્ય મંત્રી બનાવાયા હતા.
ચૂંટણીની રાહ જોતું જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2018 બાદ વિધાનસભા ચૂંટણી થઈ શકી નથી. છેલ્લાં કેટલાંક વર્ષોથી જમ્મુ-કાશ્મીર અનેક રીતે ચર્ચામાં રહ્યું છે.
રાજકારણની વાત કરીએ તો વર્ષ 2018માં અહીં ભાજપ અને પીડીપીની ગઠબંધનવાળી સરકાર હતી.
જોકે ભાજપે પોતાનું સમર્થન પાછું ખેંચી લેતા સરકાર પડી ભાંગી હતી. બાદમાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું હતું.
વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવીને રાષ્ટ્રપતિશાસન લાગુ કરી દેવાયું હતું. બાદમાં રાજ્યનો દરજ્જો વિશેષ દરજ્જો ખતમને તેને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે ભાગમાં વહેંચીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધું હતું.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે મહેબૂબા મુફ્તી મુખ્ય મંત્રી હતાં. રાજ્યનો વિશેષ દરજ્જો ખેંચી લીધા બાદ પીપીડી પ્રમુખ મહબૂબા મુફ્તી અંદાજે 14 મહિના સુધી નજરકેદ રાખ્યાં હતાં.
નેતાઓની અદલાબદલીનું ભાજપનું રાજકારણ
વર્ષ 2014માં ઉત્તરાખંડમાં કૉંગ્રેસના નવ ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા હતા અને અહીંથી ભાજપનો સત્તામાં આવવાનો રસ્તો ખૂલી ગયો હતો.
વર્ષ 2016માં અરુણાચલ પ્રદેશમાં સીએમ પ્રેમા ખાંડુ 33 ધારાસભ્યોને લઈને ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
વર્ષ 2015માં હિમંત બિસ્વા સરમા કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા, સરમા હાલમાં આસામના મુખ્ય મંત્રી છે. જોકે એટલો મોટો ફેરફાર નહોતા, પણ હિમંતા બિસ્વાના ભાજપમાં આવવાથી પૂર્વોત્તરનાં રાજ્યોમાં ભાજપે પહેલી વાર પોતાના દમ પર સરકાર બનાવી.
વર્ષ 2017માં કૉંગ્રેસના ધારાસભ્યોના સમર્થનથી મણિપુરમાં ભાજપે સરકાર બનાવી હતી.
2018માં બેંગલુરુમાં "ઑપરેશન કમલ" ચાલ્યું હતું. કૉંગ્રેસ-જેડીએસ સરકારના 17 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા હતા અને કર્ણાટકમાં ભાજપે સરકાર બનાવી લીધી.