હાર્દિક પટેલે કયા નેતાના હાથે પાણી પીધું, ક્લાર્કની પરિક્ષામાં સવાલ પૂછાયો

સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (12:52 IST)
પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિની માગણીઓ સાથે તાજેતરમાં જ અનશન પર બેઠેલા હાર્દિક પટેલના આંદોલનને રાજ્યની ભાજપ સરકારે માંડ પાર પાડ્યુ છે. ત્યારે હવે હાર્દિક પટેલને અનશન દરમિયાન કોણે પારણા કરાવ્યા તેવો પ્રશ્ન આજે રવિવારે લેવાયેલી ગાંધીનગર કોર્પોરેશનના ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા અનેક ચર્ચા થવા પામી છે. રવિવારના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશમાં કારકુનની 50 જગ્યાઓ માટે સ્પર્ધાત્કમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના માટે દોઢ લાખ યુવક-યુવતીઓએ ઉમેદવારી હતી. જેમાં હેતુલક્ષી પ્રશ્નપત્ર હતું. તેમાં પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, તાજેતરમાં અમદાવાદમાં ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલને ક્યા રાજકીય નેતાએ પાણી પીવડાવ્યુ? (A) શરદ યાદવ (B) લાલુ પ્રદાસ યાદવ (C) શત્રુઘ્ન સિંહા (D) વિજય રૂપાણી ઉક્ત પ્રશ્નનનો સાચો જવાબ શરદ યાદવ આવે છે. પરંતુ મજાની વાત તો એ છે કે લાલુ પ્રસાદ યાદવનું નામ લખવામાં પણ ભૂલ થઇ છે અને લાલુ પ્રદાસ યાદવ લખાયું છે. બીજુ કે ઓપ્શન D માં તો ખુદ વિજય રૂપાણીનું નામ આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના તાજેતરના અનશન પર મુખ્યમંત્રી વિજય રૂપાણી મીડિયા સમક્ષ કશું કહેવા તૈયાર ન હતા. અનશન દરમિયાન સરકારના એક પણ મંત્રી હાર્દિકને મનાવા શુદ્ધા ગયા નથી. અનશન બાદ પણ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિકના અનશનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યા હતા અને ત્યા સુધી કહી દીધુ હતુ કે હાર્દિક અને તેના સાથીઓએ પાટીદાર સમાજના વડાઓનું અપમાન કર્યું છે અને બહારના રાજ્યના નેતા કે જેમના પક્ષનું ગુજરાતના રાજકારણમાં મોટુ નેતૃત્વ પણ નથી તેવા શરદ યાદવના હાથે પાણી પીધુ. આમ આ સમગ્ર મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો અને સરકાર હાર્દિકના આંદોલનને ડામી દેવા માગે છે ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાર્કની પરીક્ષામાં હાર્દિકે કોના હાથે પાણી પીધુ તેવો સવાલ મુકાતા હાર્દિક સમર્થક પાટીદારો ગેલમાં આવી ગયા હતા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યુ હતું કે હાર્દિકનું મહત્વ કેટલું વધી ગયુ છે કે હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તેનો સવાલ આવી રહ્યો છે. આમ સવાલ ભલે કરન્ટ અફેર્સના વિષયને લઇને પુછાયો હોય પરંતુ આ સવાલે ખૂબ જ ચર્ચાઓ જગાવી છે અને તેમાં પણ ઓપ્શનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ આપવામાં આવ્યું છે. આગામી સમયમાં આ પેપર સેટર પર આડકતરી રીતે તવાઇ આવે તો નવાઇ નહીં તેવી પણ ચર્ચાઓ થઇ રહી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર