સુરતના વેપારીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવામાં 27 લાખ ગુમાવ્યા, બે ગઠિયા ઝડપાયા

ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (10:51 IST)
સિટીલાઇટના વેપારીએ ઇન્ડોનેશિયાની કંપનીમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા જતાં 26.63 લાખ ગુમાવ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમે વડોદરા-બેંગ્લોરથી બેની ધરપકડ કરી છે. પેરાગોન ઓપ્શન ટ્રેડીંગ કંપનીમાં સિટીલાઇટ નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને સચિનમાં બાયો ફર્ટીલાઇઝર મેન્યુફેક્ચરિંગ કરતા 39 વર્ષીય રાજ સામ લોંખડવાલાએ સાયબર ક્રાઇમમાં આપેલી ફરિયાદ કરી હતી. ફરિયાદ મુજબ, કોમાંગ સુકી નામના વ્યક્તિએ રાજને ફોન કરી જણાવ્યું હતું કે, ‘તે ઇન્ડોનેશિયામાં રિસોર્ટ ચલાવે છે અને તેને ભારતમાં પણ રિસોર્ટ ચાલુ કરવો છે. ત્યાર બાદ કોમાંગ સુકીએ રાજને પોતે પેરાગોન ઓપ્શન ટ્રેડીંગમાં ક્રિપ્ટોમાં રોકાણ કરવા ઊંચા વળતરની લાલચ આપી હતી. રાજે કોમાંગને હા પાડતા તેને વોટસએપ ગૃપમાં એડ કર્યો હતો. વેપારીએ ક્રિપ્ટોમાં રોકાણ માટે પહેલાં 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પછી એકાઉન્ટ ચેક કરતા 15390 રૂપિયા બતાવતું હતું. આથી રાજે વધુ 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા. ટોળકીએ ટીપ માટે 50 ટકા ચાર્જ એડવાન્સમાં માંગતા વેપારીએ ટ્રેડીંગ માટે ના પાડી હતી.’ વધુમાં તેઓ જણાવે છે કે, ‘ત્યારે ટોળકીએ ટ્રેડીંગના 6 સેશનનું જણાવી 7 હજાર ડોલર બેલેન્સ પછી રકમ ઉપાડવાનું જણાવ્યું હતું. વેપારીએ ક્રિપ્ટોમાં રોકાણના નામે 34.80 લાખ ટોળકીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જેમાંથી ટોળકીએ 8.17 લાખ પરત કર્યા હતા. જયારે 26.63 લાખ પરત ન કરી ચીટિંગ કરતાં વેપારીએ ફરિયાદ આપતા સાયબર ક્રાઇમે કોમાંગ, લિયોનાર્ડ, ,સ્ટેફની અને બેંકના ખાતા ધારકો સામે ગુનો નોંધ્યો છે.’ ક્રિપ્ટો કરન્સીના નામે વેપારીને રોકાણ નામે 26.63 લાખની રકમ પડાવનાર ટોળકીના બન્ને યુવકો મૂળ રાજસ્થાનના છે. જેમાં એકનું નામ સિધ્ધાર્થ શર્મા અને બીજાનું નામ પવન સુથાર છે. સિધ્ધાર્થ શર્મા હાલમાં બેંગ્લોરમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. જયારે પવન સુથાર વડોદરા ખાતે પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. પવન અને સિધ્ધાર્થ એક વર્ષ પહેલા જયપુરમાં સીએનો અભ્યાસ સાથે કરતા હતા. સિદ્ધાર્થે પવનને બિઝનેસની વાત કરી બેંક એકાઉન્ટની માંગણી કરી હતી. આથી પવને પોતાના બેક ખાતાનો નંબર આપી દીધો હતો. પોલીસ તપાસમાં પવનના ખાતામાં લગભગ 5 થી 6 લાખ, જયારે સિધ્ધાર્થ ખાતામાં 8 થી 10 લાખની રકમ હોવાની વાત સામે આવી છે. ઈન્ટરનેટ કોલથી ઠગ ટોળકી વાત કરતી હતી. જેમાં કેટલીક એપ્લીકેશન આવે છે, જેના થકી ભારતમાં બેસીને કોઈપણ દેશનો કોડ નંબર નાખી ઈન્ટરનેટથી વાત કરતા હતા. જેના કારણે વિદેશથી કોલ કરતા હોય એવુ કોડ નંબરના આધારે લાગે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર