બાળકનો જન્મ પરિવારને ખુશીઓથી ભરી દે છે, અને નવ મહિના સુધી બાળકને ગર્ભમાં ઉછેરનાર માતા ખુશીઓથી ભરેલી હોય છે. પરંતુ કેટલીક ઘટનાઓ એવી સામે આવે છે જે આપણને વિચારવા મજબૂર કરે છે કે શું માતા આટલી ક્રૂર હોઈ શકે છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં પ્રકાશમાં આવી છે, જ્યાં એક માતાએ જન્મના ચાર દિવસ પછી જ તેના બાળકને જંગલમાં મરવા માટે છોડી દીધું હતું. બાળકના માતાપિતા બંને સરકારી શાળાના શિક્ષકો છે, તેથી પ્રશ્ન એ ઉભો થાય છે કે તેમણે આવું પગલું કેમ ભર્યું.
બંને માતા-પિતાની ચોથી સંતાન
સૂત્રોના જણાવ્યા મુજબ માતાપિતાનું આ ચોથું બાળક હતું, અને સપ્ટેમ્બરના અંતમાં બાળકના જન્મ પછી, તેઓ બાળકને રોડ ઘાટ પરના જંગલમાં લઈ ગયા અને તેને પથ્થરો વચ્ચે દબાવી દીધો. જેમ કહેવત છે, "રામ રાખે તેને કોણ ચાખે" ત્યાથી પસાર થતા એક બાઈકસવારને નિર્જન જંગલમાં બાળકના રડવાનો અવાજ વિચિત્ર લાગ્યો. તેણે તાત્કાલિક સ્થાનિકો અને પોલીસને જાણ કરી, અને બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પોલીસે આરોપી માતાપિતા, બબલુ અને રાજકુમારી દાંડોલિયાની ધરપકડ કરી છે. બંને સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક છે. તેમને પહેલાથી જ આઠ, છ અને ચાર વર્ષના ત્રણ બાળકો છે.
પત્થરો વચ્ચે દબાવીને ભાગી ગયા
બંનેએ જણાવ્યું કે જન્મના ચાર દિવસ પછી, તેઓ સવારે રોડ ઘાટ નજીક જંગલ વિસ્તારમાં પહોંચ્યા અને બાળકને ભારે ખડકો વચ્ચે દાટી દીધું અને ભાગી ગયા. પરંતુ બીજા દિવસે સવારે, એક બાઇકર અને કેટલાક ગ્રામજનોએ બાળકનો રડતો અવાજ સાંભળ્યો અને તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેઓ ઘટનાસ્થળે દોડી ગયા અને ખડકો વચ્ચે એક નવજાત બાળક રડતું અને ચીસો પાડતું જોયું. તાત્કાલિક તબીબી સહાય મેળવ્યા પછી, તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ઠંડી અને પ્રાણીઓ હોવા છતાં, આખી રાત બાળકનો જીવ બચી ગયો તે કોઈ ચમત્કારથી ઓછું નહોતું.
બંને પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક
પરંતુ તેમની આ હરકતનુ તેમણે જે કારણ દર્શાવ્યુ તે ચોંકાવનારુ હતુ. આરોપી પિતાએ જણાવ્યુ કે ચોથા બાળકના જન્મ પછી તેમને ભય હતો કે ક્યાક તેમની સરકારી નોકરી ન જતી રહે. બંને નાંદવાડી પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક છે. તેમનુ કહેવુ હતુ કે તેમને આશંકા હતી કે સરકારી નિયમોને કારણે ચોથા બાળકના જન્મ પછી ક્યાક તેમની નોકરી ન છીનવાય જાય. તેથી 27 સપ્ટેમ્બરના રોજ બાળકના જન્મ પછી તેને પત્થર નીચે દબાવીને ભાગી નીકળ્યા.