PM મોદી અમેરિકાના બે દિવસના પ્રવાસે પહોંચ્યા, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે

ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2025 (18:33 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અમેરિકાના પ્રવાસે છે અને ભારતીય સમય પ્રમાણે ગુરુવારે સવારે અમેરિકાની રાજધાની પહોંચ્યા છે.
 
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે, "થોડા સમય પહેલાં હું વૉશિંગ્ટન ડીસી પહોંચ્યો છું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને હું ખુશ છું."
 
તેમણે લખ્યું છે, "ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને લઈને હું ઉત્સાહિત છું. બંને દેશો પોતાના લોકો અને પોતાની ભૂમિના વધુ સારા ભવિષ્ય માટે મળીને કામ કરતા રહેશે."
 
ટ્રમ્પની મુલાકાત અગાઉ તેમણે અમેરિકન જાસૂસી વિભાગના વડા તુલસી ગબાર્ડ સાથે મુલાકાત કરી હતી. બુધવારે તુલસી ગબાર્ડને અમેરિકાના ડાયરેક્ટર ઑફ નૅશનલ ઇન્ટેલિજન્સ બનાવવા અંગે પુષ્ટિ કરવામાં આવી હતી.
 
ટ્રમ્પ અને મોદીની મુલાકાતમાં વ્યાપાર, રોકાણ, ઊર્જા, સંરક્ષણ, ટેકનોલૉજી અને માઇગ્રેશનના મુદ્દે વાતચીત થવાની શક્યતા છે.
 
આ ઉપરાંત ટેરિફના મામલે પણ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ શકે છે.
 
ટ્રમ્પે રાષ્ટ્રપતિપદ ધારણ કર્યાના થોડા જ સપ્તાહોમાં ટોચના નેતાઓની મેજબાની કરી છે જેમાં વડા પ્રધાન મોદી ચોથા નેતા છે.
 
બીજી વખત સત્તા પર આવ્યા પછી ટ્રમ્પે એક જ મહિનામાં ઇઝરાયલ અને જાપાનના વડા પ્રધાનો તથા જૉર્ડનના કિંગ સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર