રામચરિતમાનસ પર સપા નેતા સ્વામીપ્રસાદ મૌર્યે કહ્યું કે કેટલાક ભાગો પર પ્રતિબંધ મૂકવો જોઈએ

સોમવાર, 23 જાન્યુઆરી 2023 (17:24 IST)
છેલ્લા કેટલાક દિવસોથી રામચરિતમાનસની ચર્ચામાં વધુ એક નામ ઉમેરાયું છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યું છે કે રામચરિતમાનસ બકવાસ છે, તેના કેટલાક ભાગો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
 
તેમણે કહ્યું કે આનાથી પછાત, દલિતવર્ગોની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે.
 
એક ટેલિવિઝન ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વામીપ્રસાદ મૌર્યે કહ્યું, "અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ. પરંતુ ધર્મના નામે કોઈ વર્ગને અપમાનિત કરવા માટે કંઈક કહેવામાં આવે તો તે વાંધાજનક છે."
 
"રામચરિતમાનસના કેટલાક અંશો એવા છે જેના પર મને વાંધો હતો અને આજે હું ફરી કહું છું. કોઈ પણ ધર્મમાં કોઈને ગાળ દેવાનો હક નથી. તુલસીદાસના રામચરિતમાનસમાં એક ચોપાઈ- જે બરનાધામ તેલી કુમ્હારા, સ્વપચ કિરાત કોલ કલવારા- આમાં સીધેસીધું જાતિનું નામ લઈને તેને અધમ જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. 
 
મૌર્યે કહ્યું કે "ધર્મનો ખરો અર્થ માનવતાનું કલ્યાણ અને તેની શક્તિથી છે. જો રામચરિતમાનસની કેટલીક પંક્તિના કારણે સમાજના એક વર્ગનું જાતિ, વર્ગ અને વર્ગના આધારે અપમાન થાય છે તો તે ચોક્કસપણે ધર્મ નહીં પણ અધર્મ છે."
 
"તેનાથી આ જાતિઓના લાખો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. જો તુલસીદાસના રામચરિતમાનસ પર વાદવિવાદ કરવો કોઈ ધર્મનું અપમાન છે, તો પછી ધર્મગુરુઓને અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, અન્ય પછાતવર્ગો અને મહિલાઓની ચિંતા કેમ નથી થતી? શું આ વર્ગ હિંદુ નથી?
 
તેમણે કહ્યું કે રામચરિતમાનસના જાતિ-વર્ગ અને વર્ણના આધારે સમાજના એક વર્ગનું અપમાન કરે છે તેવા વાંધાજનક ભાગો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
 
અપર્ણા યાદવની પ્રતિક્રિયા
સ્વામીપ્રસાદના નિવેદન પર ભાજપનાં નેતા અપર્ણા યાદવે પ્રતિક્રિયા આપી છે.
 
અપર્ણા યાદવે કહ્યું કે "રામે શબરીનાં એઠાં બોર ખાઈને જાતિનાં બંધનો તોડી નાખ્યાં અને સતયુગમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો. રામ ભારતનું ચરિત્ર છે. રામ કોઈ એક ધર્મ કે સમાજના નથી. આજે પણ ભારતમાં એવું કહેવાય છે કે દીકરો હોય તો રામ જેવો. આવું નિવેદન પોતાની રાજનીતિને જમાવવા માટે જેણે પણ આપ્યું હોય તે પોતાનું ચરિત્ર બતાવે છે."
 
ઉલ્લેખનીય છે કે બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખરે તાજેતરમાં રામચરિતમાનસ વિશે કહ્યું હતું કે તે સમાજમાં નફરત ફેલાવે છે. તેમના આ નિવેદન બાદ વિવાદ થઈ રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર