કેરળના આરોગ્ય વિભાગે સોમવારે એર્નાકુલમ જિલ્લામાં નોરોવાયરસના બે કેસની પુષ્ટિ કરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ધોરણ 1 ના બે વિદ્યાર્થીઓ નોરોવાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. બંને વિદ્યાર્થીઓમાં ઝાડા અને ઉલ્ટીના લક્ષણો જોવા મળ્યા હતા, જે બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તપાસમાં ઈન્ફેક્શનની પુષ્ટિ થઈ છે.
નોરોવાયરસ શું છે?
નોરોવાયરસ એક ચેપી વાયરસ છે જેનો જ્યારે ચેપ લાગે છે ત્યારે ઉલ્ટી અને ઝાડા થાય છે. શરીરની જઠરાંત્રિય પ્રણાલી પર તેની અસરોને કારણે વાયરસને પેટના ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. નોરોવાયરસ માત્ર બાળકોને જ નહીં કોઈને પણ તેનો શિકાર બનાવી શકે છે. વાયરસ દૂષિત ખોરાક અને સપાટી મારફતે ઝડપથી ફેલાઈ શકે છે. યુએસ સીડીસી અનુસાર, એક જ વ્યક્તિને તેના જીવનમાં ઘણી વખત નોરોવાયરસનું સંક્રમણ લાગી શકે છે કારણ કે ત્યાં તેના અનેક પ્રકારના વાયરસ છે.