આજે કુલભૂષણ જાધવની ઇસ્લામાબાદમાં પત્ની અને મા સાથે મુલાકાત

સોમવાર, 25 ડિસેમ્બર 2017 (13:17 IST)
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની સોમવારે ઇસ્લામાબાદમાં પત્ની અને મા સાથે મુલાકાત થશે. જાધવની પત્ની અને મા 25 ડિસેમ્બરે એક કમર્શિયલ ફ્લાઇટથી મુલાકાત માટે નક્કી કરેલા સમયની થોડીવાર પહેલા જ ઇસ્લામાબાદ પહોંચશે. મુલાકાત પછી તરત જ તેઓ ભારત આવવા રવાના પણ થઇ જશે. આ મુલાકાત દરમિયાન ઇન્ડિયન હાઇ કમિશનના એક અધિકારી પણ હાજર રહેશે. 
 
પાકિસ્તાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર જાધવની માતા અને પત્ની આજે જ ઈસ્લામાબાદ પહોંચી ગયા  છે. તેઓ મુલાકાત પછી તુરત ભારત પાછા ફરશે. ભારતના ડેપ્યુટી હાઈકમિશનર જે.પી. સિંહ જાધવના માતા અને પત્ની સાથે મુલાકાત સમયે હાજર રહેશે. મુલાકાત એક કલાક સુધી ચાલે તેવી શક્યતા છે.
 
 
પાકિસ્તાનની જેલમાં  કેદ કરાયેલા ભારતીય નૌ-સેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવની આજે એટલે કે સોમવારે માતા અને પત્ની સાથે મુલાકાત થનાર છે. પાકિસ્તાનની સૈન્ય અદાલતે જાસૂસીના અરોપ હેઠળ 47 વર્ષના જાધવને મોતની સજા ફરમાવી છે.
 
ભારત મુલાકાત અંગે પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં છે. પાકિસ્તાને જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે જો ભારતનું વલણ સકારાત્મક રહેશે તો જાધવના પરિવારજનોને મીડિયા સાથે વાત કરવાની પણ પરવાનગી આપી શકાય છે. પાકિસ્તાને 20 ડિસેમ્બરે જાધવની પત્ની અને માતાને વીઝા આપ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર