દેશના અનેક રાજ્યો વરસાદ અને પૂરના કારણે ભારે તબાહી મચાવી રહ્યા છે. પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં પૂર, વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોની હાલત ખરાબ છે. દાયકાઓમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહેલા પંજાબમાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે. સેંકડો હેક્ટર જમીન પર ઉભા પાકનો પણ નાશ થયો છે.
પંજાબમાં પૂર: પંજાબના 23 જિલ્લાઓમાં 1,996 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 46 થયો છે, જ્યારે 1.75 લાખ હેક્ટર જમીન પર ઉભા પાકનો નાશ થયો છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF), સેના, સરહદ સુરક્ષા દળ, પંજાબ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં પાણીનું સ્તર ખતરનાક સ્તરે છે અને સતત પૂરને કારણે ગામડાઓમાં રહેતા લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યની મુલાકાત લેશે. તેઓ પૂર પીડિતો માટે મોટા પેકેજની પણ જાહેરાત કરી શકે છે. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં હવામાન સામાન્ય રહેવાથી લોકોને રાહત મળી શકે છે.