Pakistan floods - પાકિસ્તાનમાં આટલુ ભયાનક પુર કેમ આવ્યુ ? શુ કહે છે NDMA ?
સોમવાર, 18 ઑગસ્ટ 2025 (13:13 IST)
pakistan flood
પાકિસ્તાન હાલમાં કુદરતના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદને કારણે આવેલા અચાનક આવેલા પૂરના કારણે ઉત્તર પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 340 લોકોના મોત થયા છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. તેની સૌથી વધુ અસર પર્વતીય પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં જોવા મળી છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) અનુસાર, ફક્ત ખૈબર પખ્તુનખ્વામાં 324 લોકોના મોત થયા છે. બચાવ કાર્યકરો કાટમાળમાંથી મૃતદેહો કાઢવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પાકિસ્તાનની ઇમર્જન્સી ઑથોરિટી એજન્સી એનડીએમએનું કહેવું છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન વિભિન્ન ઘટનાઓમાં 657 લોકો માર્યા ગયા છે અને 929 લોકો ઘાયલ થયા છે. એજન્સીનું કહેવું છે કે વધારે વરસાદને કારણે ખૈબર પખ્તૂનખ્વા, પંજાબ અને બલૂચિસ્તાનના વિસ્તારોમાં ભયંકર પૂર આવી શકે છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદ અને ભયંકર પૂરને કારણે સૌથી વધુ ખૈબર પખ્તૂનખ્વા પ્રભાવિત છે. ત્યાં અત્યારસુધીમાં 390થી વધુ મોત થયાં છે અને સેંકડો લાપતા છે. એનડીએમએનું કહેવું છે કે પંજાબમાં અત્યારસુધીમાં ભારે વરસાદને કારણે કુલ 164 લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાં 70 બાળકોનો પણ સમાવેશ થાય છે.
સિંધમાં 28 લોકોનાં મોત થયાં છે અને બલૂચિસ્તાનમાં અત્યારસુધીમાં 20 લોકોનાં મૃત્યુ થયાં છે પાકિસ્તાન પ્રશાસિત ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ભારે વરસાદને કારણે પૂરને કારણે મરનારાની સંખ્યા 32 પહોંચી છે. એનડીએમએના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં 15 મોત થયાં છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પણ અલગ-અલગ ઘટનાઓમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે, કેટલાક લોકો મુજબ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને કારણે કમસે કમ 1,000થી વધુ લોકો માર્યા ગયા છે. આ દરમિયાન હજુ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બુનેર જિલ્લામાં સૌથી વધારે 217 લોકો માર્યા ગયા છે.
ખૈબર પખ્તૂનખ્વાની નદીઓમાં એટલાં પાણી આવ્યાં છે કે આખે આખાં ગામ કાટમાળ નીચે દટાઈ ગયાં છે. બીબીસીની ટીમે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે વાદળ ફાટવાને કારણે એટલી ઝડપથી પૂર આવ્યું કે લોકોને બચવાની તક પણ નહોતી મળી. બચાવકાર્ય ચાલુ કરી દેવાયું હતું, પરંતુ ભારે મશીનો ન હોવાના કારણે લોકો નાનાં સાધનોથી પથ્થરો હટાવવાનું કામ કરતા હતા.
ખૈબર પખ્તૂનખ્વામાં આવેલાં પૂરમાં અત્યાર સુધીમાં લગભગ એક હજારથી વધારે લોકો માર્યા ગયા હશે એવું એએનઆઈએ પાકિસ્તાનના વડા પ્રધાનના કૉ-ઑર્ડિનેટરને ટાંકીને લખ્યું છે. ઇખ્તિયાર વાલી ખાને એઆરવાય ન્યૂઝને જણાવ્યું હતું કે "તાજેતરનાં પૂરમાં 1,000થી વધુ લોકો મૃત્યુ પામ્યાં હશે એવી તેમને બીક છે. તેમણે કહ્યું કે આખે આખાં ગામો નાશ પામ્યાં છે. બુનેરના ચંગારઝી વિસ્તારમાં મોટા પાયે વિનાશ થયો છે અને બશોની ગામ નકશા પરથી ભૂંસાઈ ગયું છે."
તેમણે કહ્યું કે "કેટલાક પથ્થરો તો ટ્રક કરતા પણ મોટા હતા. નદીકિનારે આવેલાં મકાનોનો કોઈ પતો નથી અને આખે આખા પરિવારો તણાઈ ગયા હોય તેવી ઘટનાઓ બની છે. મોટા પાયે દફનવિધિ કરવામાં આવી રહી છે."પાકિસ્તાનની નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (એનડીએમએ) મુજબ ઓછામાં ઓછાં 657 લોકો મૃત્યુ પામ્યાં છે જેમાં 392 પુરુષો સામેલ છે. તેમાં 94 મહિલાઓ અને 171 બાળકોનો સમાવેશ થાય છે.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ "શુક્રવારે પહાડ પર વીજળી પડી અને પછી વાદળ ફાટ્યું. તેના કારણે પુષ્કળ પાણી આવ્યું જેમાં પથ્થરો પણ વહી ગયા. હાલમાં લોકો ખડકોની નીચે શોધખોળ કરી રહ્યા છે કે કદાચ કોઈ જીવીત વ્યક્તિ મળી જાય."
જૂન અને સપ્ટેમ્બર મહિના વચ્ચે અહીં સૌથી વધારે વરસાદ પડતો હોય છે. ભૂસ્ખલન અને પૂરની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે જેના માટે ક્લાઇમેટ ચેન્જ પણ ભૂમિકા ભજવે છે એવું માનવામાં આવે છે.
પાકિસ્તાનની હવામાન એજન્સીઓ પ્રમાણે હજુ 21 ઑગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે. જૂન મહિનામાં પાકિસ્તાનમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 650થી વધુ લોકો માર્યા ગયા છે. જુલાઈ મહિનામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગયા વર્ષ કરતા 73 ટકા વધારે વરસાદ પડ્યો હતો અને ગઈ ચોમાસાની સિઝન કરતા વધુ લોકો માર્યા ગયા હતા.
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં સૌથી વધારે ગ્લૅશિયર આવેલા છે, પરંતુ ગરમી વધવાના કારણે ગ્લૅશિયર પીગળી રહ્યા છે અને માટી, ખડક સહિતનો કાટમાળ સરકવા લાગ્યો છે. તાજેતરનાં પૂર માટે કોઈ ચોક્કસ કારણ આપવામાં નથી આવ્યું, પરંતુ ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે બરફ પીગળ્યો તે એક મહત્ત્વનું કારણ છે.
અહીં એક ગામમાં શિક્ષક તરીકે નોકરી કરતા રાજા મોહમ્મદ સાદિકે કહ્યું કે તેમણે આવું હવામાન ક્યારેય નથી જોયું. છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં હવામાન એકદમ બદલાઈ ગયું છે. ક્યારેક અચાનક ભારે વરસાદ પડે છે, તો ક્યારેક દુષ્કાળ જોવા મળે છે. વરસાદ પડે ત્યારે એટલો વધારે હોય છે કે જાનમાલને ભારે નુકસાન થાય છે.
બુનેર જિલ્લામાં એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે "ઓછામાં ઓછા 209 લોકો ગુમ છે અને તેમની સંખ્યા વધવાની શક્યતા છે. કેટલાય પરિવાર એવા છે જેમાં કોઈ જીવીત નથી રહ્યું. બુનેર જિલ્લામાં એક જગ્યાએથી આઠ મૃતદેહો દટાયેલા મળી આવ્યા હતા જેમની ઓળખ થઈ શકી નથી."
કેટલાક મૃતદેહો એટલી હદે ક્ષતિગ્રસ્ત છે કે ઓળખી શકાય તેમ નથી. પ્રાદેશિક બચાવ ટુકડીના અધિકારીએ એએફપીને જણાવ્યું કે 10થી 12 ગામો આખે આખાં અથવા આંશિક રીતે દટાઈ ગયાં છે. શાંગલા જિલ્લામાં પણ કેટલાય ડઝન લોકો ગુમ છે.