VIDEO: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં વાદળ ફાટવાથી રાષ્ટ્રીય ધોરી માર્ગ ખોરવાયો, કાટમાળમાં અનેક વાહનો ફસાયા

શનિવાર, 9 જુલાઈ 2022 (09:47 IST)
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ઠઠરી ક્ષેત્ર ના ગુંટી જંગલમાં વાદળ ફાટવાના કારણે નેશનલ હાઈવે પર જમા થયેલા કાટમાળમાં અનેક વાહનો ફસાઈ ગયા, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ. ડોડાના એસએસપી અબ્દુલ કયૂમે જણાવ્યું કે સ્થાનિક પ્રશાસને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જમા થયેલા કાટમાળને હટાવીને રસ્તો સાફ કરી દીધો છે. હાઇવે થોડા સમય માટે બંધ રહ્યો હતો, પરંતુ હવે તેને વાહનવ્યવહાર માટે ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે પહાડ પરથી પાણીની સાથે માટી અને પત્થરો પડવાને કારણે રોડ પર ઘણો કાટમાળ જમા થયો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ ઘટના શનિવારે સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી. વાદળ ફાટવાને કારણે અચાનક પહાડ પરથી પાણીનો પ્રવાહ નીચે આવી ગયો હતો જેના કારણે ઠઠરી નગરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અહીં આર્મી કેમ્પ પણ છે, જેમાં ઘણું પાણી ભરાયેલું હતું. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. પહાડ પરથી પાણીની સાથે પડેલા કાટમાળમાં અનેક મકાનો પણ દટાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર