Muharram Procession - ઝારખંડના બોકારો જિલ્લામાં મોહરમના જુલૂસની તૈયારી દરમિયાન શનિવારે સવારે હાઇ ટેન્શન વાયરના સંપર્કમાં આવતાં ચાર લોકોનાં મોત થયાં હતાં. અહેવાલો અનુસાર, આ હૃદયદ્રાવક ઘટનામાં 10 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. બોકારોના પોલીસ અધિક્ષક પ્રિયદર્શી આલોકે જણાવ્યું હતું કે રાજ્યની રાજધાની રાંચીથી લગભગ 80 કિમી દૂર પેટરવાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખેતકો ગામમાં એક ધાર્મિક ધ્વજ ઇલેક્ટ્રિક વાયર સાથે સંપર્કમાં આવતાં આ દુર્ઘટના બની હતી. આલોકે કહ્યું, "આ ઘટના શનિવારે સવારે 6 વાગ્યાની આસપાસ બની જ્યારે લોકો મોહરમના જુલૂસની તૈયારી કરી રહ્યા હતા."
વાયરના સંપર્કમાં આવે ગયો લોખંડનો સળિયો
પોલીસ અધિક્ષકે જણાવ્યું કે લોકોના હાથમાં ધાર્મિક ધ્વજ હતો, જેની લાકડી લોખંડની હતી. તેમણે કહ્યું કે ધ્વજ 11,000 વોલ્ટના હાઇ-ટેન્શન ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવ્યો હતો. આલોકે કહ્યું કે તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે આમાંથી 8ને બોકારો જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં 4 લોકોના મોત થયા હતા અને અન્ય 3ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે બિહારના ગોપાલગંજમાં આવો જ એક અકસ્માત થયો હતો જેમાં કુલ 11 લોકો દાઝી ગયા હતા.