ક્યા સુધી આપણે મૂક બનીને તમાશો જોતા રહીશુ ? શુ માત્ર વીડિયો લેવો એ જ આપણી ફરજ છે ?

શનિવાર, 13 ડિસેમ્બર 2014 (15:55 IST)
ગયા અઠવાડિયે હરિયાણાની બે બહાદુર બહેનોએ ચાલતી બસમાં તેમની છેડતી કરતા બે-ત્રણ ટપોરીઓને બસમાં જ ઠમઠોરી નાખ્યા એ સમાચાર ખૂબ ચર્ચાયા. એ બહેનો રોહતક કૉલેજથી પોતાના ગામ સોનેપત ગામ પાછી ફરી રહી હતી ત્યારે બસમાં ત્રણેક યુવાનોએ તેમની છેડતી કરી હતી અને છોકરીઓએ તેનો વિરોધ કર્યો એટલે છોકરાઓએ તેમને ઇજા પહોંચાડવાની કોશીશ કરી હતી એવું છોકરીઓની ફરિયાદમાં બહાર આવ્યું છે. પરંતુ ઇન્ટરનેટ પર ફરતા વીડિયોમાં જે જોવા મળે છે તે તો આ છોકરીઓએ પેલા અડપલાં કરનારા યુવાનોમાંથી એકની જે જોરદાર પિટાઈ કરી તેના દૃશ્યો છે. બે યંગ છોકરીઓ પોતાનાથી ઊંચા એ છોકરાને હાથ અને પટ્ટાથી ઝૂડતી હતી અને એ યુવાન એમના પ્રહારોને ખાળવામાં વ્યસ્ત હતો ત્યારે ત્યાં ઊભેલા બીજા બે માણસોમાંથી એક તેને છોડાવવાની કોશીશ કરતો દેખાઈ રહ્યો છે. પરંતુ બાકીના બધા પેસેન્જર્સ કોઇક રસિક્ નાટક જોતા હોય તેમ પોતાની સીટ ઉપર ચોંટી ગયા હોય એવું અનુમાન કરી શકાય છે. કેમકે વીડિયોમાં ઝડપાયેલા દૃશ્યમાં જેટલી સીટ દેખાય છે તેના પર બેઠેલા પ્રવાસીઓના ઉપર માથાઓ દેખાય છે! હા, એ બધા માત્ર બેઠા છે! જાણે નજર સામે કોઇ નાટક કે તમાશો ચાલતો હોય અને તેઓ ઑડિયન્સમાં બેસીને એ જોઇ રહ્યા છે! માણી રહ્યા છે. તેમનામાંથી કોઇને આ છોકરીઓની મદદ કરવાનું નથી સૂઝતું!

ત્રણેક મહિના પહેલાં ઑગસ્ટ મહિનામાં મીરઠમાં એક યંગ કપલ રસ્તા પરથી જઈ રહ્યું હતું ત્યારે લગભગ આવી જ ઘટના બની હતી. એ કપલમાંના પતિ ઉપર એક શખસે હુમલો કર્યો અને ત્યારે પત્નીએ પોતાના પતિના સપોર્ટમાં પેલા શખસને ધીબેડી કાઢ્યો હતો. તે ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરાયો હતો અને ખાસ્સી ચકચાર જામી હતી. એ વીડિયોમાં પણ ભરરસ્તે એક યુવતી એક શખસની પિટાઈ કરી રહી છે અને રસ્તે ચાલતા અનેક રાહદારીઓ તે જોવા ઊભા રહી ગયા છે તે ઝિલાયા હતા. એ જ તમાશો અને તેનું રસપાન કરતા લોકો! કોઇને એ કપલની મદદે જવાનું નથી સૂઝતું! હા, આ બન્ને કિસ્સામાં કોઇ જાગ્રત નાગરિકને વીડિયો લેવાનું સૂઝ્યું અને એટલે એ ઘટનાઓ દેશના ખૂણે-ખૂણે પહોંચી શકી. એમ છતાં કોઇ પણ જવાબદાર નાગરિકને એ સવાલ તો થવાનો કે વીડિયો લેનારને એ યુવતી કે છોકરીઓની મદદ કરવાનું નહીં સૂઝ્યું હોય! આ જ અઠવાડિયે હૈદરાબાદની એક કૉલેજમાં ઓગણીસ વર્ષના એક વિદ્યાર્થીની તેની જ કૉલેજના એક સિનિયર વિદ્યાર્થી દ્વારા માર મારીને હત્યા કરાઈ. શું ગુનો હતો એ છોકરાનો? તેણે પેલા સિનિયરને એક છોકરીની છેડતી કરતા અટકાવ્યો હતો! અને એ છોકરાને માર ખાતો અને પછી મૃત્યુના મુખમાં ધકેલાતો પણ સૌ ચૂપચાપ જોતા રહેલા! વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલાં કહેલું તેવી ‘મેરા ક્યા જાતા હૈ?’ની આ મેન્ટાલિટી આપણા દેશના લોકોના લોહીમાં નાત-જાત-પાતના ભેદભાવ વિના સમાનપણે ભળી રહી હોય તેવું નથી લાગતું?

આપણા સમાજની તાસીર બનતી જતી હોય એવું નથી લાગતું? કલ્પના તો કરો, તમારી સામે કોઇ એક વ્યક્તિને અમાનુષી માર મારવામાં આવી રહ્યો છે અને તમે કંઇ જાણતા ન હો તેમ મૂંગા-મૂંગા એ ઘટનાના સાક્ષી બની રહો છો, પણ તેને બચાવવાની કોઇ કોશીશ નથી કરતા. શું એ તમારું નોર્મલ વર્તન છે? કદાચ નથી. પરંતુ આજે મોટા ભાગનો સમાજ આ માનસિકતાને અપનાવી ચૂક્યો છે. કેમકે એમ ન કરે તો પેલા યંગ છોકરા જેવા હાલ થાય. હા, પોતાની નજર સામે કશુંક ખોટું થતું હતું તો એ છોકરો બધાની જેમ મૂક પ્રેક્ષક બનીને બેસી ન રહ્યો. તેણે અવાજ ઊઠાવ્યો. પણ એનું પરિણામ શું આવ્યું? તેને મોત મળ્યું. તેન મા-બાપે દીકરો ગુમાવ્યો. જો કોઇની બાબતમાં વચ્ચે પડવા જ્તાં આટલી મોટી કિંમત ચુકવવી પડતી હોય તો શા માટે આપણે કોઇના મામલામાં માથું મારવું? આવો જ કોઇ જવાબ આપણે ઝટ કરતાં આપી દેશું. પરંતુ જરા ધ્યાનથી જોઇશું તો જણાશે કે બહુમતીનું મૌન જ આવી ગંભીર ઘટનાઓ ભણી દોરી જાય છે. પેલા કૉલેજિયનના કિસ્સામાં પણ એણે જ્યારે સિનિયરને છોકરીની છેડતી કરતા અટકાવ્યો ત્યારે બીજા કોઇએ તેને સાથ ન આપ્યો. એટલું જ નહીં, પછી જયારે સિનિયર તેને પીટતો હતો ત્યારે પણ બીજા છોકરાઓ ચૂપચાપ એ તમાશો જોતા રહ્યા! લોકોનું આમ ચૂપ રહેવું જ કદાચ ખોટું કરનારાઓને વધુ બહાદુર(?) બનવા પ્રેરે છે. ગ્લેમર ફિલ્ડની જાણીતી હસ્તી ગૌહરખાનને હમણાં એક પ્રોગ્રામમાં એક શખસે સ્ટેજ ઉપર જઈને તમાચો ચોડી દીધો! આવા લોકોની આટલી હિમ્મત વધવા પાછળ પણ લોકોનું મૌન કંઇક અંશે જવાબદાર બને છે. બોલવાનું હોય ત્યારે બોલે નહીં અને વાહિયાત કે ફાલતું મુદ્દા ઊઠાવીને કાગારોળ મચાવી દે એવી મેન્ટાલિટીને ટોળાશાહી કહેવાય. મુંબઈના પરામાં તાજો જ એક કિસ્સો બન્યો. કોઇ એક કારખાનામાં કપડામાંથી લેડીઝ નાઇટીઝ સિવાતી હતી. ત્યાંથી પસાર થતા એક માણસની એ કપડા ઉપર નજર ગઈ અને તેને એ કાપડની ડિઝાઈનમાં અરબી ભાષાના અક્ષરો દેખાયા. થઈ રહ્યું. તેને એમાં અરબી ભાષાનું અપમાન જણાયું અને તેની લાગણી ઘવાઈ ગઈ! જઈને એ બીજા લોકોને કહી આવ્યો હશે કે જુઓ જુઓ કેવો જુલમ થઈ રહ્યો છે! અરબી ભાષાનું કેવું હડહડતું અપમાન! આપણાથી કેમ સાંખી લેવાય? અને એમ જોત-જોતામાં મોટું ટોળું જમા થઈ ગયું પેલા કારખાનાની સામે. કારખાનાદારે જણાવ્યું કે આ તો ગુજરાતથી કોઇ વેપારીનો સિલાઈનો ઓર્ડર છે. એ વેપારી કોઇ ગુજરાતી અને પાછો ‘મોદી’ અટક ધરાવતો હતો! એટલે તો એ ટોળાએ વાત ઓર વધારી કે હંમ્મ્મ્મમ્મ! આ તો અરબીને અભડાવાનું કાવતરું જ! મામલો એટલો બિચકી ગયો કે પોલીસ આવી અને કારખાનામાંથી એ કાપડનો બધો માલ જપ્ત કર્યો. કારખાનાના માલિકનું નિવેદન લીધું અને પછી ગુજરાતમાં બેઠેલા પેલા વેપારીનું પણ સ્ટેટમેન્ટ લેશે! એક કપડા પરની પ્રિન્ટ માટે આટલું બધું લાગી આવે એવાં હૃદય ધરાવનારાઓ આજે છે. પણ એક જીવતા-જાગતા માણસ પર કોઇ અમાનવીય જુલમ ગુજારે કે છોકરીઓની છેડતી કરે કે તેમનું શોષણ કરે ત્યારે તેમની કોઇ લાગણી દુભાતી નથી! પોતાના કોઇ સાથીને બીજો કોઇ સાથી ક્રૂરતાથી મારી રહ્યો હોય ત્યારે કોઇના હૃદયમાંથી નથી આહ ઊઠતી કે નથી આક્રોષ જનમ લેતો! માણસને ન શોભે તેવી ચૂપકીદી ત્યારે તેના હોઠ ઉપર છવાઈ જાય છે. અન્યાયને પોષે કે મોતના મોંમાં ધકેલાતા કોઇ નિર્દોષને બચાવી લેવામાં નિષ્ફળ જાય એવી એ ચુપકીદીને કયું નામ આપીશું? સેલ્ફ-સ્કિન-સેવર મેન્ટાલિટી!(એમાં મારે શું કે મારું શું જાયની મનોવૃત્તિ)!

વેબદુનિયા પર વાંચો