આજે મહાપર્વ મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી

વેબ દુનિયા

ગુરુવાર, 6 માર્ચ 2008 (12:05 IST)
W.DW.D

ભોળાનાથ મહાદેવની આરાધના માટેના મહાપર્વ મહાશિવરાત્રિની આજે ભવ્ય ઉજવણી શરૂ થઇ ગઇ છે. તેમાં અમદાવાદ ખાતે તો મહાદેવની સૌથી મોટી શિવલીંગ બનાવીને તેને ફૂલોથી સજીને દૂધની ગંગા વહેડાવવામાં આવી રહી છે. જ્યારે ગુજરાતના જિલ્લાઓમાં આવેલાં સુપ્રસિદ્ધ શિવાલયોને આ પવિત્ર પર્વની ઉજવણી માટે સજજ કરી દેવાયા છે. ખાસ કરીને અમદાવાદ, જુનાગઢ, સોમનાથ, દ્વારકા વગેરે.. ખાતે આવેલાં પ્રાચીન શિવાલયો ખાતે મહાશિવરાત્રિ પર્વે શ્રદ્ધાળુઓનો જબરદસ્ત ધસારો રહેતો હોઈ શિવભકતો ભોળાનાથનાં દર્શન નિર્વિઘે કરી શકે તે હેતુથી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સોમનાથ ટ્રસ્ટના પીઆરઓ તેમજ વ્યવસ્થાપકના જણાવ્યા અનુસાર શિવરાત્રિ નિમીત્તે સોમનાથ મંદિરમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી પૂજા અર્ચન શરૂ થઈ છે. સવારે નવ વાગ્યાથી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ પણ થશે. સાંજે સોમનાથ દાદાની બેન્ડવાજા સાથે નગરયાત્રા નિકળશે. સાંજે 7-30 કલાકથી મદિરમાં રાત્રીપૂજન શરૂ થશે જે રાત્રીના 2-30 કલાક સુધી ચાલશે. શિવરાત્રીના બીજા દિવસે તા.7મીએ અમાસ હોવાથી વહેલી સવારે 3 વાગ્યાથી મંદિર દર્શનાર્થે ખુલી જશે.
Mr. Akshesh SavaliyaW.D

6 માર્ચને ગુરુવારે મહાશિવરાત્રિ પર્વની ગુજરાતના જિલ્લાઓમાં આવેલાં સુપ્રસિદ્ધ શિવાલયોમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાશે. આ પર્વ પૂર્વે ગુજરાતના વિવિધ શહેરમાં આવેલાં કાશીવિશ્વનાથ મહાદેવ, કામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, મોટનાથ મહાદેવ સહિત નવનાથ મંદિરો ઉપરાંત ગુજરાતના વિવિધ વિસ્તારમાં આવેલા શિવમંદિરોમાં શિવરાત્રિ પર્વની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. શિવ મંદિરોને રંગરોગાન દ્વારા નવો ઓપ અપાયો છે. એટલું જ નહીં રંગબેરંગી તોરણો અને ઝળાંહળાં થતી રોશનીથી શણગારવામાં આવ્યા છે. સાથે સાથે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા શિવરાત્રિ પર્વે શિવ ભકતો ધક્કામુક્કી વગર શિવલિંગ ઉપર અભિષેક અને બિલિપત્ર પૂજામાં ભાગ લઇ શકે તે માટેનું આયોજન કરાયું છે. આ ઉપરાંત દર્શન માટે સાંજના સમય પછી થતા ધસારાને ખાળવા માટે મંદિરોમાં લોખંડની રેલિંગ લગાડી દેવામાં આવી છે.

મહાશિવરાત્રિ પર્વ પ્રસંગે રાજ્યનાં શિવમંદિરોમાં દિવસ દરમિયાન રુદ્રી, લઘુરુદ્ર, મહારુદ્ર પૂજા તેમજ સાંજના સમયે ઘીના કમળના દર્શન, મહાઆરતી અને રાત્રિના સમયે પણ અભિષેક પૂજા ઉપરાંત કેટલાક મંદિરોમાં ભજનસંઘ્યા અને ડાયરાના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

કામનાથ મહાદેવ મંદિર ખાતે સવારે 4વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ભકતો સ્વહસ્તે પૂજા કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે. બપોરે 12 વાગ્યા પછી ભગવાન સોમનાથદાદા તેમજ પાર્વતી માતાના શણગારનાં દર્શન કરી શકાશે તેમ મંદિરના મહંત ભગવાનગિરિએ જણાવ્યું હતું.

જ્યારે વડોદરા જિલ્લાના નર્મદા નદીને કાંઠે આવેલા કરનાળી સ્થિત શ્રી કુબેરભંડારેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રિના દિવસે વહેલી સવારથી મોડી રાત્રિ સુધી ભકતોનું ઘોડાપૂર ઉમટી પડતું હોઈ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દર્શનાર્થીઓ માટે દર્શન તેમજ પૂજન માટેની વ્યવસ્થા કરાઈ છે.

અહીં ચાર પ્રહરની પૂજા તેમજ દિવસ દરમિયાન લઘુરુદ્રના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. કુબેરેશ્વરમાં શિવરાત્રિ નિમીત્તે કુબેર ભંડારી મંદિરમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી પૂજા અર્ચન શરૂ થઈ જશે, જયારે દક્ષિણના સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઈ ગામે દરિયામાં મહી-સાગર સંગમ તીર્થ ક્ષેત્ર સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ સ્થળે શિવરાત્રિ પ્રસંગે વિશેષ આયોજન કરાયું છે. સ્તંભેશ્વર મહાદેવને દરિયા દેવ દ્વારા દિવસમાં બે વખત કુદરતી રીતે જલાભિષેક થતો હોઈ આ દ્રશ્ય જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.