અમેરિકાથી ગેરકાયદેસર પ્રવાસીના પરત ફરવાના પ્રશ્ન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈપણ દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકોને ત્યાં રહેવાનો કાયદેસર અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકા વચ્ચેનો મામલો છે, ભારત ફક્ત તે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત લેશે જેઓ પ્રમાણિત ભારતીય છે. પણ આ મામલો અહીં પૂરો નથી થતો. આપણે માનવ તસ્કરી સામે પણ કડક કાર્યવાહી કરવી પડશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જે લોકોને લાલચ આપીને અહીં લાવવામાં આવે છે તે ગરીબ લોકો છે. તેમને સપના બતાવવામાં આવે છે. આ પણ તેમની સાથે અન્યાય છે. તેથી, આ પ્રકારની માનવ તસ્કરી સામે પણ કામ કરવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે મને આશા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ માનવ તસ્કરીના આ નેટવર્કને ખતમ કરવામાં ભારતને સંપૂર્ણ સહયોગ કરશે.
પ્રધાનમંત્રીએ આતંકવાદ પર પણ કર્યા પ્રહારો
પીએમ મોદીએ કહ્યું કે સરહદ પારના આતંકવાદ સામે કડક કાર્યવાહી જરૂરી છે. અમે આતંકવાદ સામે લડવામાં સહયોગ કરીશું. મને ખુશી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે 26/11 હુમલાના આતંકવાદી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. આ માટે હું ટ્રમ્પનો આભારી છું. આપણી અદાલતો તેને ન્યાય અપાવશે. અમારું માનવું છે કે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી અને સહયોગ એક સારી દુનિયાને આકાર આપી શકે છે.