Rajkot Loksabha Seat Controversy - કરણીસેનાના પદ્મિનીબા વાળાએ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્ન ત્યાગ કર્યો

બુધવાર, 3 એપ્રિલ 2024 (15:31 IST)
Chanting Ramdhun and canceling Rupala's ticket
 ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે અન્નત્યાગ કરી આંદોલન શરૂ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ અંગે કરેલું નિવેદન અપમાનજનક છે. અમારી એક જ માગ છે કે, ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું છું. રાજકોટ શહેરના આશાપુરા માતાજીના મંદિરે પદ્મિનીબા વાળાએ શિશ ઝુકાવ્યા બાદ અન્નનો ત્યાગ કરવાનું એલાન કર્યું હતું. 
 
રામધૂન બોલાવી રૂપાલાની ટિકિટ રદ કરો તેવા નારા લગાવ્યા
આજે અમદાવાદમાં યોજાનાર ક્ષત્રિય સમાજની 92 સંસ્થાઓની બેઠકમાં પદ્મિનીબાને આમંત્રણ આપવામાં આવ્યું નહોતુ. ત્યારબાદ આ મામલે ચર્ચાઓ શરૂ થતાં તરત જ તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું અને તેઓ અમદાવાદ ખાતેની બેઠકમાં જવા માટે રવાના થયા હતાં. તેમણે જણાવ્યું કે, બેઠકમાં કોઈ પણ નિર્ણય લેવાય તોય અમારી માગ ઉપર અમે અડગ રહીશું. પદ્મિનીબા વાળા ક્ષત્રિય સમાજની ચારથી પાંચ મહિલાઓ સાથે આજે સવારે રાજકોટ શહેરના પેલેસ રોડ ઉપર આવેલા આશાપુરા માતાજીના મંદિરે માતાજીનાં દર્શન કર્યાં હતાં. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમાધાનની ખાનગી બેઠકમાં માફી માગી જે અમને ગ્રાહ્ય નથી. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરી ઉગ્ર લડત ચાલુ રહેશે. ક્ષત્રિય સમાજની આ મહિલાઓ આશાપુરા માતાજીના મંદિરે બેસી ગયાં હતાં અને રામધૂન બોલાવી રૂપાલાની ટિકિટ રદ કરો તેવા નારા લગાવ્યા હતા. 
 
રૂપાલાને આચારસંહિતા ભંગની ફરિયાદમાં ક્લીનચીટ
રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. જે બાદ સૌરાષ્ટ્રના અલગ અલગ સ્ટેટના રાજવીઓએ રૂપાલાને ફોન કર્યા હતા અને નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. રૂપાલાએ વીડિયો જાહેર કરી માફી માગી હતી અને ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મળેલા સંમેલનમાં પણ રૂપાલાએ માફી માગી હતી. અમદાવાદ ખાતે ભાજપના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠકમાં પદ્મિનીબાને આમંત્રણ નહોતું અપાયું, પરંતુ મીડિયાના અહેવાલો બાદ પદ્મિનીબાને આમંત્રણ અપાયું છે. આજે ચૂંટણી પંચે પણ રૂપાલાને આચારસંહિતા ભંગની ફરિયાદમાં ક્લીનચીટ આપી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર