ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી એ જે યાદી બહાર પાડી છે તેમાંથી 14 ઉમેદવારો રિપીટ છે એટલે કે 2019માં પણ તેઓ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ભારતમાં રાજકીય અને ચૂંટણી અંગેનું વિશ્લેષણ કરતી ADRએ અગાઉની ચૂંટણીઓમાં ઉમેદવારોએ કરેલી એફિડેવિટના આધારે સંપત્તી અને ક્રિમિનલ કેસના આંકડા તૈયાર કર્યા છે.ADR દ્વારા જાહેર થયેલા ઉમેદવારોની સંપત્તિ અને તેમની સામે થયેલા ક્રિમિનલ કેસ અંગેના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ ગુજરાતના 14 રિપીટ ઉમેદવારોમાંથી 4 સામે સામાન્યથી લઈને ગંભિર પ્રકારના ક્રિમિનલ કેસ થયેલા છે. આ હિસાબે રિપીટ ઉમેદવારોમાંથી 28.57% ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
સંપત્તિ અંગેના આંકડા જોઈ તો 2019ની એફિડેવિટ પ્રમાણે ગુજરાત ભાજપના તમામ ઉમેદવારોની સંપત્તિ 50 કરોડથી નીચે છે. રિપીટ કરવામાં આવેલા 14 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 11.69 કરોડ જેવી થાય છે. આ યાદી પ્રમાણે નવસારીના ઉમેદવાર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પાસે સૌથી વધુ 44 કરોડની સંપત્તિ છે અને તેમના ઉપર 5 કરોડનું દેવું છે. આ ઉપરાંત જામનગરના પૂનમ માડમની સંપત્તિ 42 કરોડ અને દેવુ 9 કરોડ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાસે 40 કરોડની સંપત્તિ છે અને દેવું 47 લાખ છે. સૌથી ઓછી 68 લાખની સંપત્તિ ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવાની છે.