રાહુલ ગાંધી અમરેલીમાં, ભાજપ સરકાર સામે પ્રહારો કર્યાં,
સોમવાર, 15 એપ્રિલ 2019 (18:19 IST)
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાહુલ ગાંધીની ગુજરાતમાં આ પ્રથમ સભા છે. રાજુલા અમરેલી હાઇવે પર આવેલી આસરાણા ચોકડી ખાતે જનસભા સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો બે બજેટ બનશે. અમે ખેડૂતો માટે અલગ બજેટ બનાવીશું. ઉપરાંત દેવું નહીં ચૂકવાનારા ખેડૂતોને જેલ નહીં થાય. અમે ત્રણ રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે. ન્યાય યોજના વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ કહે છે પૈસા ક્યાંથી આવશે? ન્યાય યોજનાના પૈસા ભાગેડુઓના બેંક ખાતામાંથી આવશે. મહિલાઓના ખાતામાં પૈસા જમા થશે. કોંગ્રેસ ઇનકમ ટેક્સ નહીં વધારે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ રાખી 26 બેઠકો આપી અને દિલ્હી મોકલ્યા. જનતાને વિશ્વાસ હતો કે મોદી કંઇક કરી બતાવશે પરંતુ એવું થયું નથી. નોટબંધીના કારણે ભારતમાં બેરોજગારી વધી છે. મોદીએ 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. 5 વર્ષમાં ભાજપે આપેલા વાયદા પૂરા ન કર્યા. 15 લાખ હજુ ખાતામાં આવ્યા નથી. ખેડૂતો સાથે છેતરપિંડી થઇ છે. સૌથી વધુ બેરોજગાર ભારતમાં છે.હાર્દિક પટેલે જય જવાન જય કિશાનના નારા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ભાજપ કોંગ્રેસ સામે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે. થોડા સમય પહેલા મહુવામાં ખેડૂતો પર લાઠી વરસાવવામાં આવી હતી. અમરેલી, ભાવનગરના ઉમેદવારને મજબૂત બનાવવા અને સરકાર બનાવવામાં પ્રજાનો જોશ જોવા મળે છે. આવનારા દિવસો ખેડૂત, યુવાન અને રોજગારી માટેના છે. ભાજપ સરકારનું સાશન છે છતાં હજુ સુધી ખેડૂતોને સિંચાઇનું પાણી મળતું નથી. જવાન શહીદ થાય તો તેના પરિવારને પૂરતું વળતર આપવાનું વચન કોંગ્રેસ સરકારે આપ્યું હતું. જો ભાજપ જીતશે તો આપણે ચૂંટણી કાર્ડ શોકેસમાં મુકવા પડશે, આ માણસ 2019 પછી ચૂંટણી દૂર કરવાના મૂડમાં છે. આપણે કોંગ્રેસના પંજાને મત આપવાની જરૂર છે. ગુજરાતના ખેડૂતો અને યુવાનોનું અપમાન મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું છે. ભાજપને અહંકાર અને અભિમાન છે. 23 તારીખે આપણે સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠક પર કોંગ્રેસને જીતાડવાની છે.