રાહુલ ગાંધી ગુજરાતમાં સાત સભાઓ ગજવશે, પ્રિયંકા ગાંધીના પ્રવાસને આખરી ઓપ અપાશે

શનિવાર, 13 એપ્રિલ 2019 (14:02 IST)
લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે  ગુજરાત આવનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. રાહુલ ગાંધી હવે ૧૫-૧૮-૨૦ એપ્રિલના ગુજરાતમાં સાત જાહેર સભા સંબોધશે. બીજી તરફ પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસને આગામી દિવસોમાં આખરી ઓપ આપવામાં આવશે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ ગાંધી ૧૫ એપ્રિલે અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં એમ એક દિવસમાં ૩ સભા સંબોધશે. અગાઉના કાર્યક્રમ અનુસાર રાહુલ ગાંધી ૧૯મી સભા સંબોધવાના હતા. પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે અને ૧૯મીના સ્થાને ૧૮ એપ્રિલના સૌરાષ્ટ્રમાં જાહેર સભા સંબોધશે. જોકે, આ જાહેર સભા કેશોદ કે પોરબંદરમાંથી ક્યાં યોજવી તેના અંગે નિર્ણય લેવાયો નથી. 

આ પછી રાહુલ ગાંધી ૨૦ એપ્રિલે બારડોલી-દાહોદ-પાટણમાં જાહેર સભા કરશે.બીજી તરફ પ્રિયંકા ગાંધી સોમનાથ અને અંબાજીમાં શિશ ઝુકાવી પ્રચારનો પ્રારંભ કરશે. જોકે, તેમનો કાર્યક્રમ હજુ નક્કી થયો નથી.  પ્રિયંકા ગાંધીનો સોમનાથ કે અંબાજીમાં રોડ શો યોજવામાં આવે તેવી પણ સંભાવના છે. અગાઉ પ્રિયંકા ગાંધી ૧૮ એપ્રિલે ગુજરાત પ્રવાસે આવવાના હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર