રાહુલ ગાંધી 22 લાખ નોકરીઓ આપશે ક્યાંથી?

મંગળવાર, 2 એપ્રિલ 2019 (23:40 IST)
કૉંગ્રેસ પક્ષ સામાન્ય ચૂંટણીઓમાં બેરોજગારીને એક મોટો મુદ્દો બનાવી રહ્યો છે.
 
એ જ કારણ છે કે રાહુલ ગાંધીએ 31 માર્ચના ટ્વીટ કરીને જણાવ્યું કે વર્તમાન સમયમાં સરકાર પાસે 22 લાખ ખાલી જગ્યાઓ છે. જો તેમની સરકાર બની તો 31 માર્ચ, 2020 સુધી આ તમામ જગ્યાઓ ભરી દેશે.  જોકે, મોટો સવાલ એ છે કે શું રાહુલ ગાંધી જેટલી ખાલી જગ્યાઓને ભરવાનો વાયદો કરી રહ્યા છે, એટલી સંખ્યામાં નોકરીઓ છે ખરી?
 
તેનો જવાબ કૉંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપ્યો છે. તેમાં જણાવ્યા પ્રમાણે પ્રથમ એપ્રિલ 2019 સુધી કેન્દ્ર સરકાર લગભગ ચાર લાખ નોકરીઓ આપી શકે છે.
 
એવામાં રાહુલ ગાંધી પાસે 22 લાખોનો આંકડો આવ્યો ક્યાંથી?
 
વાત એવી છે કે રાહુલ ગાંધી જ્યારે 22 લાખ નોકરીઓની વાતો કરી રહ્યા છે ત્યારે તેમાં રાજ્ય સરકારની નોકરીઓ પણ ગણી રહ્યા છે. ટ્વીટમાં તેમણે સાફ લખ્યું છે કે સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં રકમ વધારમાં આવશે અને આ બે સૅક્ટરમાં નોકરીઓની ખાલી જગ્યાઓને ભરવામાં આવશે.  પક્ષનો ચૂંટણી ઢંઢેરો પણ તેની વાત કરી રહ્યો છે, કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પ્રમાણે સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં ફાળવણી વધારવામાં આવશે અને રાજ્ય સરકારો પાસેથી લગભગ 20 લાખ નોકરીઓ મળશે.
 
કૉંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યું છે કે રાજ્ય સરકારોને અનુરોધ કરીને રાજ્યોમાં સેવા મિત્રનાં પદ ઊભા કરવામાં આવશે અને તેમાં લગભગ 10 લાખ લોકોને રોજગારી આપવામાં આવશે. જોકે, વર્તમાન સમયમાં કૉંગ્રેસ શાસિત રાજ્યોની સંખ્યા દેશભરમાં ખૂબ જ ઓછી છે, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને કર્ણાટક સિવાય પોંડિચેરીમાં કૉંગ્રેસની સરકાર છે.
 
મમતા બેનરજી અને ચંદ્રબાબુ નાયડુ સિવાય ડાબેરી શાસનવાળા કેરળને છોડીને પૂરા દેશમાં ભાજપ જ છે. એવામાં રાહુલ ગાંધી જો કેન્દ્રમાં સરકાર બનાવી લે તો ભાજપ અને તેમના સહયોગી શાસિત રાજ્યોમાં પોતાની નીતિઓને કેવી રીતે લાગુ કરાવી શકશે. એ સવાલ ઊભો રહેશે.
 
વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો, જોકે, આ વાયદો પૂર્ણ થઈ શક્યો ન હતો. જેથી કૉંગ્રેસ પક્ષ આ ચૂંટણીમાં આને મોટો મુદ્દો બનાવવા માગે છે પરંતુ તેની સામે નવી નોકરીઓ ઊભી કરવાનો પડકાર બન્યો રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર