તાલાલા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવા મુદ્દે ચૂંટણી પંચને હાઇકોર્ટની નોટિસ

બુધવાર, 20 માર્ચ 2019 (13:00 IST)
તાલાલા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવા મુદ્દે ચૂંટણી પંચને ગુજરાત હાઇકોર્ટે નોટિસ પાઠવી છે. તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડની તેમના સસ્પેન્શન અને તાલાળા બેઠકની પેટાચૂંટણીને પડકારતી રિટમાં જસ્ટિસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ વી.બી. માયાણીની ખંડપીઠે પેટાચૂંટણી જાહેર કરવાના નિર્ણય અંગે ચૂંટણી પંચને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. કેસની વધુ સુનાવણી ૨૫મી માર્ચ પર મુકરર કરવામાં આવી છે.
ભગા બારડની રજૂઆત છે કે મેજીસ્ટ્રેટ કોર્ટે તેમને બે વર્ષની સજા ફરમાવી હોય પરંતુ તેમણે સેશન્સ કોર્ટમાં સજા અને તેમને દોષિત ઠેરવતા ચુકાદા વિરૃધ્ધ અપીલ કરી છે. આ અપીલમાં તેઓ નિર્દોષ સાબિત થાય તેવી પણ શક્યતાઓ છે. આ વાતની માહિતગાર હોવા છતાં ચૂંટણીપંચે ઉતાવળમાં અને ગેરકાયદે રીતે તાલાળા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરી છે. તેથી તાલાળા બેઠકની પેટાચૂંટણી રદ થવી જોઇએ. ધારાસભ્ય બારડની રજૂઆતને ધ્યાને લઇ હાઇકોર્ટે ચૂંટણી પંચને ૨૫મી માર્ચના રોજ સુનાવણીમાં આ મુદ્દે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
જ્યારે સામા પક્ષે રાજ્ય સરકારની રજૂઆત છે કે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમો અને ચૂંટણી પંચના નિયમ પ્રમાણે તેઓ આપમેળે સસ્પેન્ડ થયા છે અને અનુસંધાને તાલાળા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર થઇ છે. ચૂંટણી પંચે ઉતાવળમાં પેટાચૂંટણી જાહેર નથી કરી પરંતુ જામનગર ગ્રામ્ય, ધાંગધ્રા, માણાવદર અને ઉંઝા વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની હતી તેથી સાથોસાથ તાલાળા બેઠક પર પણ પેટાચૂંટણી જાહેર કરાઇ છે.
વર્ષ ૧૯૯૫માં સુત્રાપાડા વિસ્તારની સરકારી જમીનમાંથી ૨.૮૩ કરોડના લાઇમસ્ટોનનું ગેરકાયદે ખનન કરી જી.એચ.સી.એલ.ને આ જથ્થો વેચવાના કેસમાં ગત ૧ માર્ચે મેજીસ્ટ્રેટ કોર્ટે ભગા બારડને બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા ફટકારી છે. જેના પરિણઆમે તેમને વિધાનસભા સ્પીકરે સસ્પેન્ડ કર્યા છે અને ચૂંટણી પંચે તાલાળા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર