લોકસભાની ગુજરાતની કુલ 26 પૈકીમાંથી સૌરાષ્ટ્રની 7 બેઠકો ખૂબ જ મહત્વની છે. આ વખતે કોંગ્રેસના વધુ પાંચ ધારાસભ્યોએ બળવો કરતા અને રાજીનામું આપીને ભાજપમાં જતા રહેતા ભાજપને ફાયદો થવાને બદલે નુકસાન થવાની શક્યતાઓ વધી ગઈ છે. કારણ કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે કોંગ્રેસના 9 થી 10 ધારાસભ્યોને તોડયા હતા. આ ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપી લડાવ્યા હતા. જેમાંથી ડૉ. તેજશ્રી પટેલ-વિરમગામથી અને રાઘવજી પટેલ જામનગરથી, રામસિંહ પરમાર આણંદથી, અમિત ચૌધરી માણસાથી હારી ગયા હતા. જ્યારે ગોધરાથી સી.કે. રાઉલજી માત્ર 200 મતનાં ઓછા માર્જીનથી ચૂંટણી જીત્યા હતા. તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર બેઠક પરથી જીતવામાં સફળ રહ્યા હતાવાસ્તવમાં ભાજપમાં જઈને ચૂંટણી હારી ગયેલા મોટાભાગના ચૂંટણી જીતી શકે તેમ હતા. પરંતુ કોંગ્રેસમાંથી આવ્યા અને ભાજપે તુરંત જ ટિકિટ આપી દેતા આવા વિસ્તારોમાં વર્ષોથી વફાદાર રહીને કામ કરતાં ભાજપના આગેવાનો-કાર્યકરો રોષે ભરાયા હતા. આવા બળવાખોરો તથા ભાજપના નેતાઓને પાઠ ભણાવવા માટે ભાજપના જ વરિષ્ઠ કાર્યકરોએ તેમને હરાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે ફરીથી 2017ની ચૂંટણી જેવી જ સ્થિતિ ઉભી થઈ છે. ચૂંટણીની જાહેરાત પહેલા જ જસદણથી કુંવરજી બાવળીયા, ઉંઝાથી ડૉ. આશા પટેલ, માણાવદરથી જવાહર ચાવડા, ધ્રાંગધ્રાથી પરષોત્તમ સાબરીયા અને જામનગર ગ્રામ્યના વલ્લભ ધારવીયા કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં આવી ગયા છે. કુંવરજી તો પેટા ચૂંટણીમાં જીતી ગયા છે.હવે ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય તથા માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લોકસભાની સાથે જ યોજાઈ રહી છે. આ સ્થિતિમાં ભાજપના કાર્યકરો અને આગેવાનોએ 2017ની વિધાનસભાની ચૂંટણીનું પુનરાવર્તન કરવાનું મન બનાવી લીધું છે. એટલે કે ભાજપની નેતાગીરીને પાઠ ભણાવવા તેમજ આયાતી ઉમેદવાર સામેની પોતાની નારાજગી દર્શાવવા માટે ભાજપના જ કાર્યકરો-અગ્રણીઓ કામ કરી રહ્યા છે. જેથી પેટા ચૂંટણીમાં ભાજપને એકાદ બેઠક મળે એવું દેખાઈ રહ્યું છે.ભાજપનાં જ લોકો ભાજપની સામે પડયા હોવાથી તેની વિપરીત અસર લોકસભાની ચૂંટણી લડતા ભાજપના ઉમેદવારોને પણ થશે જેને કારણે ખાસ કરીને મહેસાણા જ્યારે સૌરાષ્ટ્રની જૂનાગઢ, સુરેન્દ્રનગર અને જામનગરમાં ભાજપને મોટો ફટકો પડવાની ભીતિ છે. આ જ રીતે પોરબંદર તથા અમરેલી, ભાવનગર અને રાજકોટમાં ટિકિટ ફાળવણીના મુદ્દે સ્થાનિક સ્તરે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેને લીધે પણ ભાજપને આવી બેઠકો જીતવામાં લોઢાના ચણા ચાવવા પડશે.