આજે બીજી સેમીમાં ચેન્નઇ સામે પંજાબ

શનિવાર, 31 મે 2008 (10:27 IST)
મુંબઈ. મુંબઈના વાનખેડે સ્‍ટેડિયમમાં આજે 31મી મેના શનિવારના રોજ ચેન્નઈ સુપર કિંગ્‍સ અને પંજાબ કિંગ ઈલેવન વચ્‍ચે ઈન્‍ડિયન પ્રિમિયર લીગની બીજી સેમીફાઈનલ રમાશે. ટ્‍વેન્‍ટી 20 ક્રિકેટમાં કંઈ પણ કહી શકાય નહીં જો કે શોન માર્શ સહિતના અન્‍ય પ્રતિભાશાળી ખેલાડીઓને ધ્‍યાનમાં લેતા ચેન્નઈ કરતાં પંજાબની સ્‍થિતિ વધુ મજબૂત જણાય છે.

ઇન્‍ડિયન પ્રીમિયર લીગમાં આજે ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્‍સ અને યુવરાજ કિંગ્‍સ ઇલેવન વચ્‍ચે બીજી સેમિફાઇનલ રમાશે. આમ, ક્રિકેટપ્રેમીઓને આજે ભારતની વન-ડે ટીમના સુકાની અને ઉપ-સુકાની વચ્‍ચે ખરાખરીનો ખેલ જોવા મળશે. બંને ટીમની તાકાત, નબળાઇ અને ફોર્મ ચકાસવામાં આવે તો કિંગ્‍સ ઇલેવન પંજાબની ટીમ આવતીકાલના મુકાબલામાં હોટફેવરિટ તરીકે મેદાને ઉતરશે. કિંગ્‍સ ઇલેવનની ટીમે 14માંથી માત્ર ચાર ગુમાવી છે.

એ અલગ વાત છે કે, ચેન્નાઇના આ ચારમાંથી બે પરાજય ચેન્નાઇ સુપર કિંગ્‍સ સામે જ થયા છે. કિંગ્‍સ ઇલેવનની ટીમમાંથી ખાસ કરીને ઓપનર શોન માર્શ હુકમનો એક્કો પુરવાર થઇ રહ્યો છે. માર્શે આઇપીએલની 10 ઇનિંગ્‍સમાં 593 રન નોંધાવ્‍યા છે. ટુર્નામેન્‍ટમાં સૌથી વધુ રન કરવામાં શોન માર્શ મોખરે છે.


કિંગ્‍સ ઇલેવન પાસે શોન માર્શ ઉપરાંત સંગાકારા, યુવરાજ અને મહેલા જયવર્દને જેવા બેટ્‍સમેન છે. બોલિંગમાં દેશી આક્રમણ હરીફ પર બરાબરનું ભારે પડે છે. તેમની પાસે શ્રીસંત, વીઆરવી, ચાવલા જેવા બોલર છે. બીજી તરફ ઇરફાન અને જેમ્‍સ હોપ્‍સ જેવા ઓલરાઉન્‍ડર ટીમનું સંતુલન વધારે છે. યુવરાજસિંઘે રાજસ્‍થાન રોયલ્‍સ સામેની મેચમાં 16 બોલમાં 48 રન ફટકારી ફોર્મમાં પરત ફરવાના સંકેત આપી દીધા છે.

ચેન્નાઇ સુપર કિંગ્‍સે ખાસ કરી શોન માર્શને અંકુશમાં રાખવા રણનીતિ ઘડવી પડશે. ચેન્નાઇની ટીમ પણ ખૂબ જ સંતુલિત છે. બેટિંગમાં ધોની, સુરેશ રૈના, પર્િાથવ પટેલ છે તો બોલિંગમાં તેમની પાસે મુરલીધરન, એન્‍ટિની અને મનપ્રિત ગોની છે. એલિબી મોર્કેલ બેટિંગ-બોલિંગ બંનેમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. ચેન્નાઇ માટે ચિંતાનો મુખ્‍ય વિષય બેટિંગમાં ઊંડાણનો અભાવ અને મુરલીધરનનું ફોર્મ છે.

મુરલીધરનનું આઇપીએલમાં પ્રદર્શન સાધારણ રહ્યું છે. તેણે 13 મેચમાં માત્ર 8 વિકેટ ખેરવી છે. મનપ્રિત ગોની ટુર્નામેન્‍ટની શોધ સમાન પુરવાર થઇ રહ્યો છે. ગોનીની ચુસ્‍ત લાઇન-લેન્‍થ સામે રન કરવામાં બેટ્‍સમેનને મુશ્‍કેલી નડી રહી છે. ચેન્નાઇની ટીમે સળંગ ચાર મેચમાં જીતી આઇપીએલમાં શરૃઆત સારી રીતે કરી હતી, પરંતુ ઓસ્‍ટ્રેલિયન ક્રિકેટરના વતન પરત ફર્યા બાદ ચેન્નાઇની સાતત્‍યતામાં ઘટાડો આવ્‍યો હતો. સ્‍ટિફન ફ્‍લેમિંગની પત્‍નીએ બાળકને જન્‍મ આપ્‍યો હોવાથી તે વતન પરત ફર્યો છે.

વેબદુનિયા પર વાંચો