ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગ માટે રાજ્યને આકર્ષક બનાવવા ટુરિઝમ વિભાગના પ્રયત્નો
શનિવાર, 27 ઑગસ્ટ 2016 (11:10 IST)
ગુજરાત સરકારના પ્રયત્નોના ભાગરૂપે આગામી ''વાઇબ્રન્ટ ગુજરાત'' સમિટ સંદર્ભે પ્રવાસન વિભાગ દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે 'સિનેમેટિક ટુરિઝમ ઇન ગુજરાત- ધ વે ફોરવર્ડ' પર ફિલ્મ મેકિંગ સેમિનાર, ૮મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૧૭ હેઠળ ગુજરાતમાં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ૨૯ ઓગસ્ટે રાજ્યપાલ ઓ પી કોહલી દ્વારા ખુલ્લો મૂકાશે. આ સેમિનાર ટુરિઝમ પોલિસીના નિદર્શન માટે અને ગુજરાતને અગ્રણી ફિલ્મ મેકિંગ સ્થળ બનાવવા માટે યોજવામાં આવી રહ્યો છે. આ પ્રિ-ઇવેન્ટનો હેતુ ગુજરાતને અગત્યનું ફિલ્મ મેકિંગ હબ બનાવવાનો, સિંગલ વિન્ડો ક્લિયરન્સીસના લાભોને વધુ મજબૂત બનાવવાનો, ગુજરાતની સાહસિક પ્રજાને આગળ લાવવાનો અને સ્થાનિક ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડવાનો અને સાહસિકવૃત્તિની તકોનું સર્જન કરવાનો અને અદ્યતન ટેકનોલોજી હાઇલાઇટ કરવાનો છે, જેથી ગુજરાત દેશનું મનોરંજનનું કેન્દ્ર બની શકે તે માટે ઉત્સાહમાં વધારો કરી શકાય. ઇવેન્ટની મુખ્ય ઘટનાઓમાં સિનેમેટિક ટુરિઝમ પર એક વિડિયો ફિલ્મનું સ્ક્રિનિંગ અને કોફી ટેબલ બુકના લોન્ચિંગ છે. ફિલ્મ જગતના અનેક મહાનુભાવો આ પ્રસંગે હાજરી આપશે.ઇવેન્ટ ખાતે આમંત્રિતો અને સહભાગીઓમાં ફિલ્મ મેકર્સ, ડિરેક્ટર્સ, સિનેમેટોગ્રાફર્સ, સ્ક્રિપ્ટ રાઇટર્સ, ગુજરાતી ફિલ્મજગત, ફિલ્મ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ફિલ્મ ટેકનોલોજી પ્રોવાઇડર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ, ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ્સ નિષ્ણાતો, સંસ્થાઓ, સંગઠનો, એનઆઇડી, નિફટ, એમએસયુ-ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ, તેમ જ ફિલ્મ મેકિંગમાં રસ ધરાવનારાઓ સમાવેશ થાય છે. ગુજરાત ટુરિઝમને કેન્દ્રીય ટુરિઝમ મંત્રાલય દ્વારા ત્રણ કેટેગરીમાં ૨૦૧૪-૧૫ માટે ત્રણ નેશનલ ટુરિઝમ એવોર્ડઝ આપવામાં આવ્યા છે.જેમાં 'બેસ્ટ ફિલ્મ પ્રમોશન ફ્રેન્ડલી સ્ટેટ'માં પ્રથમ એવોર્ડ તેમ જ 'બેસ્ટ સ્ટેટ કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ' કેટેગરીમાં બીજો એવોર્ડ તેમજ કેરળની સાથે વર્ષ ૨૦૧૪-૧૫ માટે 'મોસ્ટ ઇનોવેટિવ યૂઝ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી-સોશિયલ મીડિયા/મોબાઇલ એપ' માટે સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનું વૈવિધ્ય ફિલ્મ ઉદ્યોગ માટે વધુ આકર્ષણરૂપ બને તે માટે રાજ્યના પ્રવાસન વિભાગે ખાસ આયોજન કર્યું છે.